અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે 6 ફેબ્રુઆરીએ જોબ ફેર યોજાશે, 5800 નોકરી અપાશે
ગુજરાતના શિક્ષણ વિભાગે અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટીમાં 6, 7 ફેબ્રુઆરીએ જોબ પ્લેસમેન્ટનું આયોજન કર્યું છે, જેમાં 10થી વધુ સેક્ટરની 62 કંપની 5800થી વધુ નોકરી આપશે. યુનિ. સંલગ્ન બીએ, બીકોમ, બીએસસી, બીસીએ કોલેજોના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે આ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં 4901 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોબ ફેરમાં સ્થળ પર આવીને રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ભાગ લઈ શકશે તેમ નોડલ ઓફિસર ડો. બી. કે. જૈને જણાવ્યું છે. બેન્કિંગ, ઓટો મોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ,કેમિકલ્સ સહિતના સેક્ટરની ઝાયડસ કેડિલા, હેલ્થ કેર, ઇન્ટાસ જેવી કંપનીઓ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરશે. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વોલિટી કન્ટ્રોલ સહિતની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવશે.
આ રીતે ઉમેદવારોની પસંદગી કરાશે
સૌપ્રથમ રજિસ્ટ્રેશન ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ટોકન મેળવવાનો રહેશે.ટોકનના આધારે મનપસંદ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી શકશે. મૌખિક ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે.પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કંપની દ્વારા સ્થળ પર એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. કંપની અને જે તે વિદ્યાર્થીની અનુકૂળતાના આધારે અભ્યાસ ન બગડે તે રીતે નોકરી શરૂ કરી શકાશે.