સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (16:16 IST)

કોર્પોરેશન બજેટ 2018 : થ્રી લેયર બ્રિજથી અમદાવાદ બનશે સ્માર્ટ સિટી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6500 કરોડ રુપિયાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થઈ ગયું છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આ પ્રસ્તાવિત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વિકાસના કામો અને ખાસ તો રસ્તાઓ બનાવવા અને તેની ક્વોલિટી મેઈન્ટેન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.2018-19ના આ બજેટમાં શહેરમાં 200 કિલોમીટરના નવા રસ્તા બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસામાં શહેરના રસ્તા ધોવાઈ ગયા હતા જેના કારણે કોર્પોરેશનને ખાસ્સી ટીકા સહન કરવી પડી હતી.

આ વખતે આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે રોડ ડિઝાઈન સેલની રચના કરવાનું પણ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રસ્તાની ક્વોલિટી સુધારવા એક્સપર્ટ્સનો સમાવેશ કરાશે.આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં આ વર્ષે શહેરમાં નહેરુનગર અને પાલડી જંક્શન પર થ્રી લેયર ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેમાં એક લેયર બસો માટે હશે. આ ઉપરાંત, શહેરમાં 596 કરોડ રુપિયાના ખર્ચે 26 બ્રિજ બનાવવાનું પણ આયોજન છે.શહેરમાં આગામી નાણાંકીય વર્ષમાં થનારા વિકાસના કામોની માહિતી આપતા કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 45 જગ્યાએ ફ્રી વાઈ-ફાઈ સ્પોટ બનાવવામાં આવશે. આ ઉપરાંત, દરેક ઝોનમાં એક ચિલ્ડ્રન પાર્ક બનશે. આ સિવાય નારણપુરામાં એક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમનું 85 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. એસજી હાઈવે પર પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે બહુમાળી પાર્કિંગ બનાવાશે.અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના ભાગ રુપે પણ આ બજેટમાં કેટલીક જોગવાઈ કરાઈ છે. જેમાં શહેરમાં ફ્રી વાઈફાઈ સ્પોટ ઉપરાંત, સર્વેલન્સ માટે 6500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો પણ પ્રસ્તાવ છે. આ સિવાય, શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટે 50 જેટલા એન્વાયર્મેન્ટ સેન્સર પણ લગાવવામાં આવશે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તળાવો તો છે, પરંતુ તે મોટાભાગે પાણી વિના સૂકા જ પડ્યા હોય છે. જોકે, નરોડા, વસ્ત્રાલ, શિલજ, સૈજપુર, લાંભા, સોલા તેમજ મોટેરા વિસ્તારમાં આવેલા તળાવોને ટ્રીટેડ સુએજ વોટર દ્વારા ભરવાનો પણ બજેટમાં પ્રસ્તાવ મૂકાયો છે.આજે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા ટેક્સ શહેરીજનો પર નાખવામાં આવ્યા નથી. બજેટ રજૂ કરતા મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આ બજેટ રસ્તાઓ તેમજ ટ્રાફિક સેફ્ટી પર કેન્દ્રિત છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભંગાર રસ્તા અને વકરતી જતી ટ્રાફિકની સમસ્યા વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યા છે.


શું છે બજેટમાં ખાસ

શહેરની ટ્રાફિક સમસ્યા પર ભાર મુકવામાં આવ્યો
રસ્તા અને પુલ માટે 611 કરોડ
ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે 465 કરોડ
પાણીની સુવિધા માટે 438 કરોડ
આવાસ અને માળખાગત સુવિધા માટે 272 કરોડ
જમીન મકાન માટે 228 કરોડ
જાહેર સુવિધા માટે 123 કરોડ
ગ્રાન્ટના કામો માટે 209 કરોડ
ફાયરની સુવિધા માટે 157 કરોડ
રેવન્યુ બજેટ 3200 કરોડ
કેપિટલ બજેટ 3300 કરોડ
વર્ષ 2018-19 નું 6500 કરોડ બજેટ રજૂ
બ્રિજ માટે નહેરુનગર સર્કલ પર થ્રી લેયર બ્રિજ બનાવવાની જોગવાઈ
શહેરની ટ્રાફિક સમસ્યા પર ભાર મુકવામાં આવ્યો
એ.એમ.ટી.એસ.ને 355 કરોડ
ફર્સ્ટ લેયર સીધા ટ્રાફિક માટે,
સેકન્ડ લેયર ચાર આર્મનું રાઉન્ડ ડેવલપમેન્ટ
થર્ડ લેયર સીધા ટ્રાફિક માટે
3 લેયર ફલાય ઓવર બ્રિજ નહેરૂનગર અને પાલડી જક્શન પર બનશે
પુરના અથવા કુદરતી આફતના સમયમાં ફ્લડ મોનીટરીંગ માટે 10 કરોડની જોગવાઈ
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં નારણપુરા ખાતે કેન્દ્રસરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી 85 કરોડનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઉભું કરવામાં આવશે
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે 885 કરોડ
વર્ષ 2018-19 ના બજેટમાં ટેક્સના વેરામાં કોઈ વધારો નહીં
ઝોનલ કેપિટલ વર્કસ માટે 380 કરોડની ફાળવણી

 

મધ્ય ઝોન - 38 કરોડ
પશ્ચિમ ઝોન - 50 કરોડ
ઉત્તર ઝોન - 68 કરોડ
પૂર્વ ઝોન - 68 કરોડ
દક્ષિણ ઝોન - 68 કરોડ
નવા પશ્ચિમ ઝોન - 88 કરોડ