દૂરદર્શન પર પ્રસારિત રામાયણે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, બન્યો સૌથી વધુ જોવામાં આવનારી સીરિયલ
કોરોના વાયરસને કારણે દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે સરકારે રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરી. હવે શોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય ચેનલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા એક ટ્વિટ મુજબ, 'રામાયણના પુન: પ્રસારણે દુનિયાભરમાં પ્રેક્ષકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે 16 એપ્રિલના રોજ 7.7 કરોડની દર્શકોની સંખ્યા સાથે વિશ્વભરમાં સૌથી વધુ જોવામાં આવતી મનોરંજન સિરિયલ બની ગઈ છે.
દેશભરના લોકો હાલમાં કોરોના વાયરસથી તેમના ઘરોની અંદર લોક છે. 17 માર્ચથી ટીવી સિરિયલો, ફિલ્મો અને વેબ સિરીઝનું શૂટિંગ બંધ કરાયું હોવાથી કોઈપણ સીરીયલનાં કોઈ નવા એપિસોડ ટીવી પર પ્રસારિત થતા નથી. આ સિવાય લાંબા સમયથી લોકોની માંગ હતી કે રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉન સમયગાળામાં રામાયણનું ફરીથી પ્રસારણ કરવાનું નક્કી કર્યું. લોકો રામાયણ અને મહાભારત જેવી પૌરાણિક સિરીયલો પસંદ કરી રહ્યા છે. રામાયણાના પુન: પ્રસારણથી તેના મુખ્ય કલાકારો અરુણ ગોવિલ, દીપિકા ચિખલીયા, સુનિલ લાહિરી અને અરવિંદ ત્રિવેદી એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. લોકો તરફથી મળનારા પ્રેમ અને પ્રતિક્રિયાથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
જે દિવસે રામાયણનો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો, તે દિવસે તેને 17 મિલિયન (એક કરોડ, 70 લાખ) લોકોએ જોયો હતો. અન્ય પ્રખ્યાત સિરિયલો જેવી કે બુનિયાદ, શક્તિમાન, શ્રીમાન શ્રીમતી અને દેખ ભાઈ દેખ પણ ટીઆરપીની દ્રષ્ટિએ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ખાનગી ચેનલો વિશે વાત કરતાં તેઓ દર્શકોને જૂની સિરીયલો બતાવી રહ્યા છે.