સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (13:59 IST)

ભૂજના તીર્થ મહેતાને એશિયન ગેમ્સની ઈ સ્પોર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ

ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમબેંગ ખાતે યોજાઇ રહેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ-સ્પોર્ટ્સની 'હાર્ટસ્ટોન' નામની રમતમાં ભૂજના તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો છે.એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે. આ વખતની એશિયન ગેમ્સમાં ગુજરાતી પ્લેયર્સનો દબદબો જોવા મળ્યો છે. જેમાં સરિતા ગાયેકવાડે એથ્લેટિક્સ, અંકિતા રૈનાએ ટેનિસ જ્યારે હરમીત દેસાઇ, માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં ભારતને મેડલ અપાવ્યો હતો.

ભારતના આ મેડાલિસ્ટની યાદીમાં હવે ૨૩ વર્ષીય તીર્થ મહેતાનો પણ સમાવેશ થઇ ગયો છે. શુક્રવારે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં તીર્થ મહેતાએ વિયેતનામના ટુઆનને ૩-૨થી પરાજય આપ્યો હતો. અગાઉ હાર્ટસ્ટોનની પ્રથમ રાઉન્ડની મેચમાં તીર્થે જાપાનના એકાસાકા તેત્સુરોને ૩-૨થી પરાજય આપી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સેમિફાઇનલમાં હોંગકોંગના ખેલાડી લો સેઝ કિન સામે તેનો ૨-૨થી પરાજય થયો હતો. આમ, હવે મેડલ માટે સઘળો મદાર  ત્રીજા સ્થાન માટેની મેચ પર હતો. જેમાં રોમાંચક મુકાબલા બાદ તીર્થે વિયેતનામના એન્ગ્યુએન ટુઆન સામે ૩-૨થી વિજય મેળવીને બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો હતો. સાઉથ એશિયાના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તીર્થ મહેતાએ શ્રીલંકા, પાકિસ્તાનના ખેલાડી સામે વિજય મેળવી એશિયન ગેમ્સની ઈ સ્પોર્ટ્સની ટિકિટ મેળવી હતી. એમએસસી આઇટીનો અભ્યાસ કરી રહેલા તીર્થે અગાઉ થાઇલેન્ડ મેજર-૨૦૧૬, થાઇલેન્ડ મેજર-૨૦૧૭, ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૧૬માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એશિયન ગેમ્સની ઈ સ્પોર્ટ્સ માટે ભારતમાંથી ચાર ગેમર્સ ક્વોલિફાઇ થયા છે. ઈ-સ્પોર્ટ્સને સાદા શબ્દોમાં વિડીયો ગેમ કહી શકાય. કમ્પ્યુટર પર રમવામાં આવતી ઈ-સ્પોર્ટ્સની એક ગેમ એટલે હાર્ટસ્ટોન. જેમાં અનેક રમતનું મિશ્રણ છે. કાર્ડગેમ, પોકર, ચેસની જેમ ધીરજ તેમજ બુદ્ધિની પણ કસોટી કરતી આ સ્ટ્રેટેજિકલ ગેમ છે. એશિયન ગેમ્સની હાર્ટસ્ટોન સ્પર્ધામાં ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, હોંગકોંગ, જાપાન, કાયરેગિઝસ્તાન, સાઉદી અરેબિયા, થાઇલેન્ડના ખેલાડીઓ ક્વોલિફાઇ થયા હતા. એશિયન ગેમ્સની ઈ સ્પોર્ટ્સમાં એરેના ઓફ વેલોર, ક્લેશ ઓફ રોયેલ, લીગ ઓફ લેજન્ડ્સ, પ્રો ઇવોલ્યુશન સોકર, સ્ટારક્રાફ્ટ-૨ જેવી રમતનો પણ સમાવેશ કરાયો છે. ૧૮૫૧થી ખેલાતી એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ડેમોસ્ટ્રેશન ઇવેન્ટ તરીકે ઈ સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ સ્પોર્ટ્સના મેડાલિસ્ટની ગણતરી પણ અલગથી કરવામાં આવે છે. ૨૦૨૨ની એશિયન ગેમ્સથી ઈ સ્પોર્ટ્સનો ફૂલ મેડલ ઇવેન્ટ તરીકે સમાવેશ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જોકે, ઓલિમ્પિક્સમાં ઈ સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવે તેના પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે.