ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (12:23 IST)

૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં ગણવેશધારકોએ વગાડ્યો વડોદરાનો ડંકો

વડોદરા શહેર પોલીસના રમતવીર જવાનો અને અધિકારીઓએ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ૧૫ જેટલાં ચંદ્રકો જીતી લઇને રંગ રાખ્યો છે. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં આ ગણવેશધારીઓએ શહેર પોલીસ દળનું નામ રોશન કર્યું છે.
 
તાજેતરમાં તા.૨૭-૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ દ્વારકા જિલ્લા ખાતે  ૪૦મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ યોજવામાં આવી જેમાં ઉમરના આધારે અલગ અલગ ઓપન સ્પોર્ટ્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક જિલ્લાના પોલીસ અધિકારી તેમજ કર્મચારી સાથે સ્થાનિક ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. 
 
આ સ્પર્ધાઓમાં  વડોદરા સીટી પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શન હેઠળ વડોદરા સીટી પોલીસના અધિકારી તેમજ કર્મચારીઓએ  ઉત્સાહભેર ભાગ લઈ અલગ અલગ કેટેગરીમાં મેડલ મેળવી વડોદરા સીટી પોલીસનું નામ ગુજરાત સ્તરે રોશન કર્યું છે 
 
આ સ્પર્ધાની ૩૫ -૪૦ ઉમર વર્ષ કેટેગરીમાં વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ અરુણ મિશ્રાએ ૨૦૦ મીટરની દોડમાં તથા ગોળાફેંકમાં  ફર્સ્ટ આવી ગોલ્ડ મેડલ તેમજ ૪૦૦ મીટરની દોડમા સિલ્વર મેડલ, ૪૦- ૪૫ ઉમર વર્ષ કેટેગરીમાં હે.કો શેરજમાન બ્લોચ એ ૪૦૦,૮૦૦ તથા ૧૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જોશનું પ્રદર્શન કર્યું છે. 
 
જ્યારે  ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં કોન્સ્ટેબલ  નિશાંત શિવાજીરાવએ ૨૦૦ મી ની દોડ મા ગોલ્ડ મેડલ તથા ૧૦૦ મીટર ની દોડ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં એ.એસ.આઇ. સલીમ ઇબ્રાહિમએ ૫ કીમી અને  ૧૫૦૦ મીટરની દોડમાં સિલ્વર તથા ૮૦૦ મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ખેલ કુશળતા બતાવી છે. 
 
૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ હે.કો હસન ઇબ્રાહિમએ ૪૦૦ મીટરની હર્ડલસ (વિઘ્ન દોડ) માં  તેમજ ૧૫૦૦ મીટર દોડમાં તથા ૫ કિમી ક્રોસ કન્ટ્રી માં ગોલ્ડ તેમજ ૮૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ  કોન્સ્ટેબલ રમેશ ભાઈ ઠાકુરએ ૪૦૦ મીટરની હર્ડલ્સ (વિઘ્ન દોડ) માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. 
 
આવુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી  વડોદરા સીટી પોલીસના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓએ વડોદરા સીટી પોલીસનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે.વિજેતાઓને શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન આપ્યા છે.
 
આ વિજેતા જવાનો અને અધિકારીઓએ પોલીસકર્મીઓ એ હંમેશા શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવવી જોઈએ તેવો પ્રેરક સંદેશ આપ્યો છે.તેની સાથે રમતમાં પ્રવીણતા પોલીસ દળમાં પ્રવેશ સરળ બનાવે છે એવો સંદેશ પોલીસ ભરતીમાં ભાગ લેનારા યુવા સમુદાયને આપ્યો છે.