પ્રો કબડ્ડી લિગમાં યુપી યોધ્ધાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે 33-26થી વિજય
શ્રીકાંત જાધવ અને સુમિતની શાનદાર રમતના જોરે યુપી યોધ્ધાએ કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોસ ઈનડોર સ્ટેડિયમમાં પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની એક મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 33-26થી પરાજય આપ્યો હતો. શ્રીકાંતે 13 રેઈડમાં છ પોઈન્ટ જ્યારે સુમિતે આઠ ટેકલમાં પાંચ પોઈન્ટ મેળવી ટીમના વિજયમાં યોગદાન આપ્યું હતું.
અગાઉ ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ યુપી યોધ્ધાએ પહેલો પોઈન્ટ તો મેળવી લીધો પણ એ પછી ગુજરાતની ટીમે સરસાઈ મેળવી લીધી હતી. ગુજરાતની ટીમ આ લિડ ટીમ લાંબો સમય જાળવી શકી ન હતી. પ્રથમ હાફમાં શરૂમાં સારી એવી રસાકસી જોવા મળી, પ્રથમ હાફની પાંચ મિનિટ બાકી હતી ત્યારે સ્કોર 8-8 હતો પણ એ પછી ગુજરાતની ટીમે રમત પરનો કાબૂ ગુમાવતા પ્રથમ હાફના અંતે તે 16-9થી પાછળ રહી હતી. આ દરમિયાન યુપીના રિષંક દેવાડિગાએ પ્રો કબડ્ડી લિગમાં 450 પોઈન્ટની સિધ્ધિ મેળવી હતી. બીજા હાફમાં ગુજરાતે વળતી લડત આપવા સંઘર્ષ કર્યો પરંતુ ટીમ યુપીના ખેલાડીઓ સામે ટકકર આપવામાં નિષ્ફળ રહી હતી.
આ મેચમાં ઊતરતાં પહેલાં ગુજરાતની છેલ્લી મેચ ટાઈ રહી હતી. આમ 13 મેચમાં પાંચ વિજય, સાત હાર અને એક ટાઈથી 33 પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ આઠમા સ્થાને જળવાઈ રહી હતી જ્યારે યુપી યોદ્ધાની ટીમ તેનાથી એક ડગલું આગળ સાતમા ક્રમે હતી. 13 મેચમાં છ વિજય પાંચ પરાજય અને બે ટાઈ સાથે તેના 37 પોઈન્ટ હતા.