શા માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ,મધ્યભાગ તથા આગળના ભાગમાં ક્રમશઃબ્રહ્મદેવ,ભગવાન વિષ્ણુ,અને મહેશનો વાસ છે.માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામનાસિધ્ધિ અને દુઃખ-દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે.આટલુ જ નહીં પીપળની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે. પીપળાના ઝાડના મહત્વ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે.
આ પૌરાણિક કથા મુજબ લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રા વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, અમે ક્યા રહીએ ? જેના જવાબમા વિષ્ણુ ભગવાને દરિદ્રા અને લક્ષ્મીને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી. આ રીતે એ બંને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યુ કે
જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિ ગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે. તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે. શનિના કોપથી જ ઘરના એશ્વર્ય નષ્ટ થાય છે, પણ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરનારા પર લક્ષ્મી અને શનિની કૃપા કાયમ બની રહેશે. આ લોક વિશ્વાસના આધારે પર લોકો પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે, પણ એવુ પણ કહેવાયુ છે કે જો પીપળાના વૃક્ષને કાપવુ બહુ જરૂરી હોય તો તેને રવિવારે કાપી
શકાય છે.
જો આપ દરરોજ મંદિર ન જઈ શકતા હો તો પીપળની પૂજા કરવાથી મલીનતા,દરિદ્રતા દૂર થાય છે,અને સુખ,ઐશ્ર્વર્ય તથા ધનની કામના પણ પૂરી થાય છે. માટે દરરોજ કે ખાસ દિવસે, તિથિ પર વિશેષ મંત્ર કરી પીપળની પૂજા કરવામાં આવે તો ધન અને સુખ વધે છે.
જેઓ ધન અને સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય તે સ્ત્રી-પુરૂષે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવુ અને સફેદ વસ્ત્ર પહેરીને પીપળાના પવિત્ર સ્થાન મૂળમાં ગંગાજળમાં ગાયનું દૂધ, તલ, ચંદન વગેરે મિક્સ કરી અર્પણ કરો. પીપળાની પૂજા અર્ચના કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરો.
मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे।
अग्रत: शिवरूपाय वृक्षराजाय ते नम:।।
आयु: प्रजां धनं धान्यं सौभाग्यं सर्वसम्पदम्।
देहि देव महावृक्ष त्वामहं शरणं गत:।।
જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઈતુ હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. આવુ કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થવા માંડે છે. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેમાથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવુ જોઈએ અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા-પૂજા કરવી જોઈએ.