બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (12:55 IST)

હાથીદ્રા નજીક રીંછે રાત્રે પસાર થતાં યુવક પર કર્યો હુમલો, હાથ કરડી ખાધો

બનાસકાંઠામાં અરવલ્લીની ગિરીમાળામાં રીંછનો વસવાટ છે. અહીં જેસોરને રીંછ અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અહીં આસપાસના વિસ્તારોમાં ઘણીવાર રીંછ નજરે પડી જાય છે. ત્યારે પાલનપુર તાલુકાના ગોઢથી હાથીદ્રા જતાં માર્ગ ઉપર શનિવારે રાત્રે એકલા પસાર થઇ રહેલા યુવક ઉપર રીંછે હુમલો કરી તેનો હાથ કરડી ખાધો હતો. જેને પગલે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 
 
કુંપર (ભાટવડી) ગામે વ્યવસાય અર્થે રહેતા મુળ વડગામ તાલુકાના મુમનવાસ ગામના વિજયભાઇ પરસોત્તમભાઇ નાયી (ઉ.વ. 40) શનિવારે રાત્રે ગોઢથી હાથીદ્રાના રસ્તે પસાર થઇ રહ્યા હતા. ત્યારે જંગલમાંથી અચાનક આવી ચઢેલા રીંછે તેમની ઉપર હુમલો કરી દીધો હતો. અને તેમનો હાથ કરડી ખાધો હતો. 
 
રીંછના હુમલાથી ગભરાઇ ગયેલા વિજયભાઇએ બુમાબુમ કરી હતી. જેથી આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવતાં રીંછ જંગલ વિસ્તારમાં ભાગી ગયું હતુ. વિજયભાઇના હાથ પર ઇજા પહોંચતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.