સુરતમાં સ્કૂલની છત પર દોરી ખેંચતા બે વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો, એકની હાલત ગંભીર
Two students were electrocuted while pulling a rope
- પતંગની દોરી ખેંચતા એક ભાઈને વીજ કરંટ લાગ્યો
- બીજો ભાઈ બચાવવા ગયો તો તેને પણ કરંટ લાગ્યો
- બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા જ્યા એકની હાલત ગંભીર
શહેરના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગની ખેચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. તેના શરીરની ચામડી ઉખડી જતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઇજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ડિંડોલીમાં પરમેશ્વર યાદવના સંતાન શિવમ અને શિવા બંને શારદાયતન સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. ગતરોજ બંને ભાઈઓ સ્કૂલની અગાસી પર ગયા હતા.શિવાએ પતંગની દોરી પકડીને ખેંચવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો. બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં હાલ શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીએ શિક્ષકે છત પર મોકલ્યો હોવાનો આક્ષેપ કર્યો
ઇજાગ્રસ્ત શિવમે તેના પરિવારને જણાવ્યું હતું કે, અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલના શિક્ષક ખુન્ના તિવારીએ મારા ભાઈને કહ્યું કે, જા દોરી હટાવી દે તો મારા ભાઈએ કહ્યું કે, હું નહીં હટાવું. આથી શિક્ષકે કહ્યું કે, જા હટાવ નહીંતર મારીશ. આથી મારો ભાઈ દોરી હટાવવા ગયો અને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો. મેં દોડીને મારા કપડાથી આગ બૂઝાવી હતી. ત્યાર બાદ શિક્ષકે કહ્યું કે,એમ્બ્યુલન્સ અને તારા પપ્પાને ફોન કર શિક્ષકે કહ્યું કે, તારા ભાઈની સારવાર માટે જેટલા પૈસા થશે એ હું દઈ દઈશ. હું મારા ભાઈને બચાવવા ગયો ત્યારે મને પણ ઇજા પહોંચી છે.
સ્કૂલના આચાર્યએ શિક્ષકનો બચાવ કર્યો
શારદાયતન સ્કૂલના પ્રિન્સિપાલ શશી શંકર તિવારીએ જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થી સ્કૂલે આવ્યા અને પતંગ પકડવાની લ્હાયમાં ટેરેસ પર જતા રહ્યા હતા. જ્યાં એલ્યુમિનિયમની એક પટ્ટી દ્વારા ફસાયેલા પતંગને કાઢવા જતા તેમને કરંટ લાગ્યો અને દાઝી ગયા હતા. બાદમાં બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ-સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યો હોવાનો આરોપ છે તે પાયાવિહોણો છે. સ્કૂલમાં કોઈ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ-સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા નહોતા.