ગુજરાત કોંગ્રેસે ગેનીબેન ઠાકોર સહિત 25ને વાઈસ પ્રેસિડેન્ટ બનાવ્યાં, 75 જનરલ સેક્રેટરી અને 19 જિલ્લા-શહેર પ્રમુખ જાહેર કર્યા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા તૈયારી આદરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે સંગઠનનું માળખું જાહેર કર્યું છે. જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ડો. કિરીટ પટેલને વાઈસ પ્રેસિડેન્ટ બનાવાયા છે. ગુજરાત કોંગ્રેસે કુલ 25 વાઈસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. જ્યારે 75 જેટલા જનરલ સેક્રેટરી તથા 19 જેટલાં જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક કરાઈ છે.ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આગમન થતાં જ જગદીશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં. ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાબરકાંઠા પ્રભારી તથા કોર કમિટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તે ઉપરાંત એ સમયે લોકસભાની ચૂંટણીની ટિકીટ ફાળવણીથી પણ તેઓ નારાજ થયા હોવાનું પણ રાજકીય સુત્રોમાં ચર્ચાસ્થાને હતું. તેમણે 2014ની લોકસભાની ચૂંટણી લડવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણને લીધે નારાજ થયાં હતાં.દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આદીવાસીઓ મોટાભાગે ભાજપના ચુસ્ત સમર્થકો છે. સુખરામ રાઠવાને વિપક્ષના નેતા બનાવીને કોંગ્રેસે તેમને સાથે લેવાનો દાવ ખેલ્યો છે. પંચમહાલ, દાહોદ અને આસપાસના જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું હજુ થોડું ઘણું પ્રભૂત્વ છે. સુખરામ રાઠવાની નિમણૂંકથી એ વોટબેંક કેટલી વધે છે તે તો આગામી સમય જ બતાવશે. મુસ્લિમો કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે, પરંતુ ઓવૈસીના પક્ષના આગમનથી એમાં ગાબડું પડ્યું છે તે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં સ્પષ્ટ થયું હતું.