હવે ભરૂચમાં કોરોના દર્દીઓને નહી વર્તાય સર્જાય પ્રાણવાયુની અછત
કોરોના કહેરમાં એક તરફ ઓક્સિજનની ભારે જરૂરિયાત ઉભી થઇ છે. જ્યારે બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં ઉદ્યોગો પણ દર્દીઓની વ્હારે આવ્યા છે. દહેજની યોકોહામાં ટાયર કમ્પની અને મેઘમણી ઓર્ગેનિક કમ્પનીએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જિલ્લા કલેકટરને આપ્યા હતા.
કોરોનાની મહામારીમાં ઓક્સિજન સિલિન્ડરોની સાથે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જાતે ઓક્સિજનનું ઉત્પાદન કરી દર્દીની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરે છે. ખાસ કરીને હોમ કોરન્ટાઈન થયેલા દર્દીઓ અને કોરોનાને હરાવી ઘેર પરત થયેલા દર્દીઓ માટે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આશીર્વાદરૂપ ગણાય છે.
કોરોના મહામારીમાં ઉદ્યોગો પણ દર્દીઓની વ્હારે આવી રહ્યા છે. દહેજની યોકોહામાં ટાયર કમ્પની એ ૧૦ લીટરની ક્ષમતાના ૧૫ કોન્સન્ટ્રેટર મશીન જિલ્લા કલેકટરને અર્પણ કર્યા હતા. જ્યારે મેઘમણી કમ્પનીએ ૫ (પાંચ) લીટરની ક્ષમતા વાળા ૧૨ કોન્સન્ટ્રેટર મશીન આપ્યા હતા. જેના પગલે જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયાએ બન્ને કમ્પનીઓ ના અભિગમને આવકાર્યા હતા.
આ પ્રસંગે યોકોહામાં કમ્પનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અંબરીશ સીંદે, જનરલ મેનેજર ધર્મેશ કંસારા અને સિક્યુરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ અથાલીયે તથા મેઘમણી કંપનીના ડાયરેકટર પ્રશાંત પટેલ અને એચ.આર. વિભાગના જનરલ મેનેજર વિક્રમસિંહ માહિડા ઉપસ્થિત રહ્યા હતા.