રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (11:21 IST)

વિશ્વ માતૃભાષા દિવસ: વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામમાં બાળકોને ભણાવવા પહેલા શિક્ષકો શીખે છે સ્થાનિક ભાષા

gujarati barakhadi
બાળકોને ધો. ૧ થી ૨ માં ૮૦ ટકા અને ધો. ૩ થી ૪માં ૩૦ ટકા શિક્ષણ સ્થાનિક બોલીમાં અપાઈ છે ’’સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’’ કવિ ઉમાશંકર જોશી દ્વારા રચાયેલી આ કવિતા આજે તા. ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે યર્થાથ ઠરી રહી છે. માતૃભાષા એ ગૌરવનું પ્રતિક છે. માતૃભાષાએ સંસ્કૃતિના વારસાની તાકાત છે. માતૃભાષાએ આપણી સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ અને જ્ઞાનનો ભંડાર છે. ત્યારે આજના આધુનિક યુગમાં પણ વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા એવા ધરમપુર, કપરાડા અને ઉમરગામમાં સ્થાનિક બોલી જેવી કે, ધોડીયા, કૂંકણી, અને વારલીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. 
શાળામાં ધો. ૧ થી ૪ સુધીમાં બાળકોને ભણાવવા પહેલા સૌ પ્રથમ શિક્ષકોએ સ્થાનિક ભાષા/બોલી શીખવી જરૂરી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા પણ સ્થાનિક બોલીના સંવર્ધન માટે અલગ અલગ મોડ્યુલ તૈયાર કરાયા છે. જેનું જ્ઞાન મેળવી શિક્ષકો બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરી રહ્યા છે. બાળક જન્મે ત્યારે આસપાસના વાતાવરણમાંથી અવાજના આકર્ષણથી ખેંચાઈને શબ્દ ઉચ્ચારવાનો પ્રયત્ન કરે છે. 
શરૂઆતમાં માતા પાસેથી જ અવાજને શબ્દમાં રૂપાંતરિત કરીને કાલીઘેલી બોલી અને પછી ભાષામાં વાત કરતા શીખે છે અને એમ કહેવાય છે કે, જે ભાષામાં કે બોલીમાં આપણને સ્વપ્ન આવે તે ભાષા/બોલીમાં આપણે વિચારતા હોય અને નિપુણ હોઈએ છે. મા, માતૃભૂમિ અને માતૃભાષા આ જીવનશક્તિના ત્રણ મૂળ સ્ત્રોત છે. માતૃભાષામાં બોલવું, વાંચવું, લખવું અને વિચારવું એ વ્યક્તિ માટે શક્તિવર્ધક છે. ત્યારે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવા તેનુ જતન કરવા અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે તા. ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ માતૃભાષા દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. 
 
આપણે બાળપણમાં જે ભાષામાં સૌ પ્રથમ પરિચયમાં આવીએ, જે ભાષામાં જીવીએ અને જે ભાષામાં મોટા થઈએ તે માતૃભાષા દુનિયાના દરેક ખૂણામાં રહેતા વ્યક્તિ માટે પોતાની ’મા’ સમાન કહેવાય છે. જાણીતા લેખક ડો. ગુણવંત શાહે લખ્યું છે કે, ચાલો, માતૃભાષાને બચાવીએ, માતૃભાષાએ ’મા’ છે, અંગ્રેજી માસી છે, માસી ક્યારેય ’મા’ ના તોલે ન આવી શકે... ત્યારે માતૃભાષાના મૂલ્યવર્ધન માટે વલસાડ જિલ્લામાં શિક્ષકો, પ્રોફેસરો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. 
 
બાર ગામે બોલી બદલાઈ 
વલસાડ જિલ્લામાં અલગ અલગ ૯ બોલી બોલાઈ છે. શિક્ષક હીરામલભાઈ ભોયા કપરાડા તાલુકાના નિલોશી ગામમાં હટી પ્રાથમિક શાળાના શિક્ષક હીરામલભાઈ ભોયાએ જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીને કાગડો- શિયાળની વાર્તા કહેતા પહેલા પૂછીએ કે, ’’તમે કાગડાને જોયો છે’’ તો બધા ના પાડે છે પણ તેઓને તેમની સ્થાનિક બોલીમાં કહીએ કે, ’’કાવળા પાહેલ’’ તો બાળકો હા પાડે છે એ જ રીતે વાઘને જોયો છે એમ પૂછીએ તો ના પાડે પણ ’’ખડા તુમ્હી પાહેલ આહૈ’’ તો તરત હા પાડે છે અને તરત જ સ્થાનિક બોલીમાં જે તે વિષય વસ્તુ વિશે પરિચય આપે છે. 
 
૧૨ ગામે બોલી બદલાઈ તેમ વલસાડ જિલ્લામાં પણ ધોડીયા, કુકણા, વારલી, નેહરી સહિતની અલગ અલગ ૯ બોલી બોલાઈ છે. શિક્ષકોને સ્થાનિક બોલી અંગે જે તાલીમ આપવામાં આવે છે તે પહેલા તૈયાર કરવામાં આવતી સામગ્રીને મોડ્યુલ કહેવામાં આવે છે. જેમાં જે તે વિષય વસ્તુમાં કચાશ જણાય તો તે સુધારી મોડ્યુલ મુજબ તાલીમ અપાઈ છે. 
 
છેલ્લા બે વર્ષથી શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ૩ દિવસની અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા ૨ દિવસની તાલીમ આપવામાં આવે છે. ધો. ૧ થી ૨માં ૮૦ ટકા અને ધો. ૩ થી ૪માં ૩૦ ટકા શિક્ષણ બાળકોને સ્થાનિક ભાષામાં જ આપવામાં આવે છે. બોક્ષ મેટર મે જાતે વારલી ભાષા શીખી બાળકોને ગુજરાતી તરફ વાળ્યાઃ શિક્ષિકા દર્શનાબેન પટેલ ધરમપુર તાલુકાના પેણધા ગામમાં આંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાબેન પટેલે જણાવ્યું કે, શાળામાં ખાસ કરીને ધો. ૧ અને ૨ માં બાળકો જે ભાષામાં બોલતા હોય તેનો સ્વીકાર કરી તે ભાષામાં જ તેમને ભણાવવામાં આવે છે. જે માટે અમારે ગામના વડીલો પાસે સ્થાનિક બોલી શીખવી પડે છે. જે માટે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવે છે. 
 
મે મારી સ્કૂલમાં વારલી ભાષાનો વિશેષ ઉપયોગ કરી બાળકોને ગુજરાતી ભાષા તરફ વાળ્યા છે. જે માટે વર્ષ ૨૦૨૨માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. બોક્ષ મેટર ધોડીયા ભાષામાં લોકવાર્તાઓ લખી ગુજરાતીમાં ભાવાનુવાદ પણ કરી રહ્યો છુંઃ પ્રોઃ અરવિંદ પટેલ વલસાડ તાલુકાના ઓઝર ગામના વતની અને મહિસાગરના બાલાસિનોરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રા. અરવિંદ પટેલે કહ્યું કે, હાલમાં હું જાણીતી લોકવાર્તાઓ ધોડીયા બોલીમાં લખી રહ્યો છુ અને તેનુ ભાવનુવાદ ગુજરાતીમાં કરી રહ્યો છું. જેના થકી આવનારી પેઢી પણ જોઈ શકે, વાંચી શકે અને સમજી પણ શકશે. જેથી વારસો જળવાઈ રહેશે. 
 
કેમ્પમાં દર્દીને ડોક્ટરની ભાષા ન સમજાતા દુભાષિયાની મદદ લેવી પડે છેઃ પ્રા. ડો.આશાબેન ગોહિલ કપરાડા તાલુકાના મોટાપોંઢામાં સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રા.ડો.આશાબેન ગોહિલે કહ્યું કે, અંતરિયાળ વિસ્તારોમાં મેડિકલ સહિતના કેમ્પ કરીએ ત્યારે ડોક્ટરને દર્દીની ભાષા સમજાતી હોતી નથી જેથી અમારે દુભાષિયા રાખવા પડતા હોય છે. એ જ રીતે શિક્ષણમાં પણ સ્થાનિક બોલીનો ઉપયોગ કરવો પડે છે.