શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2022 (08:43 IST)

આણંદમાં વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ

ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી સેમિ-હાઈ સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ થયું છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ રેલવે પોલીસને ટાંકીને સંબંધિત માહિતી આપી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, બીટ્રિસ આર્ચીબૉલ્ડ પીટર નામનાં 54 વર્ષનાં આ મહિલા આણંદ રેલવેસ્ટેશન નજીક પાટા ઓળંગી રહ્યાં હતાં ત્યારે તેઓ ટ્રેન સાથે અથડાઈ ગયાં હતાં. મૂળે અમદાવાદનાં આ મહિલા આણંદમાં પોતાના સંબંધીઓને મળવા આવ્યાં હતાં.
 
વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેન ગાંધીનગર કેપિટલથી મુંબઈ સૅન્ટ્રલ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આણંદ રેલવેસ્ટેશન પર આ ટ્રેન ઊભી રહેતી નથી.
 
નોંધનીય છે કે ગત 30 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેપિટલ સ્ટેશન ખાતેની આ ટ્રેનને પહેલી વાર લીલી ઝંડી બતાવી હતી.
ગત એક મહિનામાં આ ટ્રેનને ત્રણ વખતે પ્રાણીઓ સાથે અથડાવાથી નુકસાન પહોંચ્યું છે.
 
6 ઑક્ટોબરે અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે ટ્રેન સાથે ભેંસ અથડાઈ હતી. 7 ઑક્ટોબરે ટ્રેન સાથે ગાય અથડાઈ હતી.
 
જ્યારે ત્રીજી ઘટનામાં અતુલ રેલવેસ્ટેશન નજીક એક બળદ ટ્રેન સાથે અથઢાઈ ગયો હતો.
 
મહત્ત્વપૂર્ણ છે કે 'વંદે ભારત' શ્રેણીની 'વંદે ભારત એક્સપ્રેસ' ત્રીજી સેમિ-હાઈ સ્પીડ છે.