Bhavnagar News - રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત, ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
ગુજરાતમાં રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રાહદારીઓ રખડતા શ્વાનના હૂમલાનો ભોગ બની રહ્યાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં શ્વાનના હૂમલાને કારણે અનેક લોકોને મોટી ઈજાઓ પહોંચવાના કેસ પણ સામે આવ્યાં છે. ત્યારે ભાવનગરમાં પણ ચાર સંતાનની માતાને ગાલ અને શરીર પર બચકાં ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના જેસર દેપલા ગામમાં રખડતાં શ્વાને એક મહિલા પર હૂમલો કર્યો હતો. હડકાયા શ્વાને મહિલાને ગાલ અને શરીર પર જબરદસ્ત બચકાં ભર્યાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મહિલા ચાર સંતાનોની માતા હતી. તેમના મોત બાદ ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ છે.
ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ
આ બનાવ બન્યા બાદ ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આવા હૂમલાઓથી અનેક લોકોના જીવ ગયાં છે અને અનેક લોકો ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. જેસર દેપલા ગામમાં શ્વાનના હૂમલાને કારણે ચાર સંતાનોએ તેમની માતા ગુમાવી હોવાથી ગાંમના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પણ ગામમાંથી રખડતાં શ્વાનોને દૂર કરવાની માંગ કરી છે.