રાજ્યમાંથી કોઈપણ જીવતા પશુઓની નિકાસ નહીં થાય: રૂપાણી
જીવતા પશુઓની નિકાસને લઇ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. કંડલા બંદરેથી જીવતા પશુઓની નિકાસને તાત્કાલિક અસરથી સ્થગીત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાંથી કોઈ પણ પશુની કંડલા બંદરેથી નિકાસ થશે નહીં. આ નિયમનો કડક અમલ કરાવવામાં આવશે. આ સાથે 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.
તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડીયાએ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓને લઇ જ્યાં સધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાણેના ધારા-ધોરણ ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવતા પશુઓની નિકાસ થઇ શકશે નહીં. રાજ્યના સીએમએ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવ્યો હતો અને જણાવ્યું છે કે, આ માર્ગદર્શીકાને અનુલક્ષી રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટીફીકેશનની મંજૂરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઇ છે.
કેન્દ્રીય મંત્રીને સીએમ રૂપાણીએ આ પત્રમાં વિનંતી પણ કરી છે કે જ્યાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટીફીકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પશુઓની કંડલા બંદરથી નિકાસ પરમીટ બંધ કરવામાં આવે. આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ રૂલ્સ 1978 અને ધ પ્રીવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનીમલ્સ એક્ટ 1960ની જોગવાઇઓના ચૂસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતર રાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મીકેનીઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય. ત્યાં સુધી આ કાયદાઓનું ચૂસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે.આ ઉપરાંત તુણા પોર્ટથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઇ શકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા તાત્કાલી ધોરણે એક ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર 24x7 કલાકા નજર રાખીને કોઇપણ જીવતા પશુની નિકાસ થાવા દેશે નહીં. રાજ્ય સરકારના નોટીફિકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છ જિલ્લાઓમાં સ્થપાયેલી જિલ્લાની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (SPCA)ને કોઇપણ પ્રકારનાં પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્સસ ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની જોગવાઇઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને પાઠવેલા આ પત્રમાં ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતનું નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. તુણા-કંડલા પોર્ટ ખાતે કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટને પણ જ્યાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દીશા નિર્દેશ ન મળે ત્યાં સુધી આવી નિકાસ ન થવા દેવા સૂચનાઓ આપવામાં આવી છે