ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 નવેમ્બર 2020 (16:45 IST)

ગુજરાત સરકારે શાળા-કૉલેજ ખોલવાનો નિર્ણય કેમ મોકૂફ રાખ્યો?

ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
 
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે "વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે."
આ પહેલાં ચુડાસમાએ ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા-શિક્ષણાધિકારીઓ, શાળાસંચાલકો તેમજ સરકારી-ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી હતી.
 
જોકે, વાલીમંડળે શાળાઓ ખોલવાના રાજ્ય સરકારના નિર્ણયની સામે 23 નવેમ્બરે શાળા બંધનું એલાન આપતાં કહ્યું, "જ્યારે અમદાવાદ અને રાજ્યમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર શાળાઓ અને કૉલેજોને ખોલવાની માગ કરી રહી છે."
 
"અમે માગ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થાય તો શાળાએ હૉસ્પિટલનો ખર્ચ ભોગવવો જોઈએ. અમે 23 નવેમ્બરે શાળા બંધનું એલાન આપીએ છીએ"
 
નોંધનીય છે કે અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસોને ધ્યાનમાં લેતા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ કરીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાયો હતો.
 
જે બાદ રાજ્ય સરકારે શાળાઓ અને કૉલેજો ખોલવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
 
મહત્ત્વપૂર્ણ છે કે ધોરણ 9થી 12ની એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો માટે શાળામાં વર્ગો શરૂ કરવાનું નક્કી કરાયું હતું. આ સાથે કૉલેજ અને યુનિવર્સિટીઓમાં પણ વર્ગો શરૂ કરવાની વાત કરાઈ હતી.
 
કેન્દ્ર સરકારની શાળાઓ ખોલવા માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)ના આધારે ગુજરાત સરકાર દ્વારા પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.
 
ઉત્તરાખંડમાં પણ બીજી નવેમ્બરથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવી હતી, ત્યાં પૌડી ગઢવાલ જિલ્લાની 23 શાળાઓમાં 80 શિક્ષકો કોરોના પૉઝિટિવ થયા છે.
 
સ્કૂલો ખોલવાના પાંચ દિવસ પછી કોરોના વાઇરસ સંક્રમણ વધવાને કારણે પાંચ બ્લૉક્સમાં 84 શાળાઓ બંધ કરવી પડી હતી. મિઝોરમમાં પણ સંક્રમણ વધતાં શાળાઓ બંધ કરવી પડી હતી.
 
તામિલનાડુમાં 16 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકાર, સરકારી સહાય મેળવતી સ્કૂલો અને ખાનગી સ્કૂલો ખૂલશે. ગોવામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 21 નવેમ્બરથી સ્કૂલો ખૂલશે.
 
દિલ્હીમાં સ્કૂલો ખોલવાની ચર્ચા હતી, પરંતુ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે આગામી નિર્દેશો સુધી સ્કૂલો ખોલવામાં નહીં આવે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમણનો માર વધ્યો છે.
છેલ્લા સપ્તાહમાં અમદાવાદ સહિત ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે.
 
અમદાવાદમાં 9 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે.
 
તેના આંકડાની વિગત જોઈએ તો 9 નવેમ્બરે 169 કેસ હતા અને 16 નવેમ્બરે કેસની સંખ્યા 210 રહી હતી. 15 નવેમ્બરે પણ કેસની સંખ્યા 202 હતી.
 
જોકે, એ અગાઉ આંકડો 200થી નીચે રહ્યો. 10 નવેમ્બરે 166, 11 નવેમ્બરે 186, 12 નવેમ્બરે 181, 13 નવેમ્બરે 190, 14 નવેમ્બરે 198 અમદાવાદમાં નોંધાયા હતા.