ગુજરાત બન્યું ગરમલાય, તાપમાનમાં થયો 1 થી 4 ડિગ્રીનો વધારો
રાજ્યના ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1 થી 4ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન મહુવામાં નોંધાયું હતું જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ હતું.
આ ઉપરાંત ભૂજ, કંડલા એરપોર્ટ, રાજકોટ, દીવ,સુરેન્દ્રનગર અને વડોદરામાં 38 ડિગ્રી, અમરેલી,પોરબંદર, કેશોદ, અમદાવાદ,ડીસા, ગાંધીનગર અને સુરતમાં 37 ડિગ્રી,નલિયા અને ભાવનગરમાં 36, જ્યારે વલસાડમાં 35ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ જ સમયગાળામાં લઘુતમ તાપમાન પણ 1થી 5 ડિગ્રી વધારે નોંધાયું. દીવમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી હતું જે સામાન્ય કરતા5 ડિગ્રી હતું. હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નાના છોકરાઓ અને વડીલોને ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવાજણાવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમા કોઈ નોંધપાત્ર ફેરફાર રહેશે નહીં.
હવામાન વિશેષજ્ઞએ જણાવ્યું કે, આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં પવનોનું જોર ઘટશે, જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. જેને કારણે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રી તેમજ કેટલાંક વિસ્તારોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે.
જો કે, આગામી 17 માર્ચની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન સુધી પહોંચતા ગુજરાતમાં બે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે. પરંતુ, વરસાદ પડવાની શક્યતા નહિવત છે.16મી માર્ચથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે, જેની અસરોથી અરુણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં થંડર સ્ટ્રોમથી લઇને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.