27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
રાજ્યમાં કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. ત્યારે રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. 27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈ ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. ત્યારે સતત તાપમાન વધારા સાથે અમદાવાદમાં પારો 30 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે સામાન્ય ગરમી વર્તાઇ રહી છે. રાત્રી તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ રહેતા ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1 થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. જેથી ખેડૂતો ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો હોવાથી પાકને રાખવા માટેની વ્યવસ્થા કરી લેવી જોઇએ.
27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે
ઠંડીને લઈ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં અનુભવાશે. 27 થી 31 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્ચ્છ સહિત અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગડશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા અને નલિયામાં ઠંડીનું જોર વધશે.આજે અમદાવાદ શહેરમાં પણ ધૂમમ્સ ભર્યું વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. આજે પણ નલિયા 6.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ ફૂલગુલાબી ઠંડી યથાવત રહી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 2થી 3 દિવસમાં ૨ ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફ્રીથી વધશે.
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ઉંચકાયો
માઉન્ટ આબુમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યો છે. તેના કારણે ઠંડીમાં રાહત મળતાં સહેલાણીઓને રાહત મળી છે. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૪ ડિગ્રી નોંધાયુ છે. આમ દિવસ દરમ્યાન હવે ઉનાળાની ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રજાની મજા માણવા આવેલા સહેલાણીઓ ગુરૂશિખર પર ફુલ ગુલાબી ઠંડીમાં ઠંડી હવાનો આનંદ માણ્યો હતો. આમ માઉન્ટ આબુમાં ઠંડીમાં રાહત મળતાં સહેલાણીઓએ મોજ માણી હતી.