પીવાના પાણીની ગંભીર સમસ્યા 200 રૂપિયા ખર્ચીને પાણી લાવવું પડે છે
ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ નહીંવત્ રહેતા ઉનાળામાં વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જામ્બુગોરલ, પીપરછટ, જેસર, વાધવા અને ત્રાસિયા સહિતના ગામોમાં હાલ ઉનાળામાં પાણીનો પોકાર ઊઠી રહ્યો છે. ગામના કૂવાઓમાં પાણીના તળ નીચે જતાં પોતાના ઘર માટે અને મુંગા પશુઓને પાણી પીવડાવવા મહિલાઓ, પુરુષો અને નાના બાળકોએ કેરબા, ડોલો, બે બેડા લઈને પાણી ભરવા ત્રણથી ચાર કિ.મી. ચાલીને જવું પડે છે. પીવાના પાણીને લઈ ગામ લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં ભરઉનાળે પાણીની પોકાર ઉઠવા પામી છે. ગામના બોર કૂવાના તળ નીચે જતાં ગામની મહિલાઓની માઠી દશા બેસી છે. હાલમાં વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના હિંમતપુરા ગ્રામ પંચાયતના પેટાપુરા ત્રાસિયા ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. ગામમાં 20 જેટલા બોર કૂવા છે, પરંતુ તેમાં એક માસ જ પાણી ચાલે છે. હાલ ઉનાળામાં ફળિયા ગામના લોકો 200 રૂપિયા પાણી ખર્ચીને બહારથી પાણી લેવા છે. આ ઉપરાંત આસપાસના ગામોની પણ આવી જ સ્થિતિ છે. પાણીની ગંભીર સમસ્યા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે ગામની મહિલાઓને પોતાનું જીવનનિર્વાહ કરવા પાણી માટે દૂર દૂર સુધી કાળઝાળ ગરમીમાં માથે બેડા લઈ ભટકવું પડે છે.