મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ પર, 61 ગામો એલર્ટ
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં 4 લાખ 22 હજાર 385 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 132.46 મીટરે પહોંચી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1.77 મીટર જેટલો વધારો થયો છે. જે બે દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેમ છલકાવાની સ્થિતિમાં હોવાથી આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે વહીવટી તંત્રએ મદદ માટે 1077 નંબર જાહેર કર્યો. લોકોને નદીમાં નહીં જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી
મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ ભરાયેલા છે અને હજુ ઓમકારેશ્વરના 18 દરવાજા અને ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. MPના ડેમોમાંથી કુલ 4.22 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક સતત વધવાના કારણે ડેમની જળ સપાટી છેલ્લા 24 કલાકમાં 1.77 મીટર વધી છે અને દર કલાકે 10થી 15 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની જળ સપાટી 132.46 મીટર પહોંચતા હવે ડેમ 6.77 મીટર જ ખાલી રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર નર્મદા નિગમનું આખું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ડેમની વધતી જતી જળ સપાટી પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. પાણીનો સંગ્રહ થતાં ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.
આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય
ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH)ના તમામ ટર્બાઇનો ચાલુ કરી દેવામાં આવ્યા છે અને જેના થકી 57 હજાર 221 ક્યુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.વડોદરા જિલ્લાના 36 ગામોના નાગરિકોને જ્યારે નર્મદા જિલ્લાના 25 ગામોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આસપાસના ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખવા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.