મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 20 જૂન 2023 (15:56 IST)

શક્તિસિંહ ગોહિલની રેલીમાં જવું ભારે પડ્યું, વશરામ સાગઠિયાને AAPએ બરતરફ કર્યા

Washram Sagathia sacked by AAP
Washram Sagathia sacked by AAP
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને ટીકિટ આપી હતી
હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે
 
 ગુજરાતના રાજકારણમાં ફરીવાર ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના 35 વર્ષ જૂના નેતા ગોવાભાઈ રબારીએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે અને બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાળ સંભાળી લીધો છે. ત્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને ટીકિટ આપી હતી અને તેઓ ભાજપના ઉમેદવાર સામે પાતળી સરસાઈથી હારી ગયા હતાં.હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને બહારનો રસ્તો દેખાડી દીધો છે. 
Washram Sagathia sacked by AAP
Washram Sagathia sacked by AAP
એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ બરતરફ કર્યા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠિયાને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. તેમના એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.ગત 18 જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા. 
 
સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ
આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળો તેજ બની હતી.  AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ હતી. હવે આમ આદમી પાર્ટી દ્વારા તેમને તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે.