સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (17:26 IST)

વાયબ્રન્ટ સમિટ માટે 1500 પોલીસ જવાનોને નમ્રતાના પાઠ ભણાવાયા

ગાંધીનગરમાં આગામી તા.૧૮, ૧૯ અને ર૦મીએ યોજાનારી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશમાંથી મહાનુભાવો પધારવાના છે ત્યારે મહાત્મા મંદિર ખાતે બંદોબસ્તમાં રહેનાર પોલીસ અધિકારી જવાનોને શિસ્ત અને નમ્રતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ડેલીગેટ સાથે કેવું વર્તન કરવું તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો નોંધવું રહેશે કે મહાત્મા મંદિરમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો એક્ઝિક્યુટીવ ડ્રેસમાં નજરે પડશે. 
ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિર ખાતે આગામી તા.૧૮, ૧૯ અને ર૦મીએ નવમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ મળનાર છે. આ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશવિદેશમાંથી મહાનુભાવો પધારવાના છે. તેમન સુરક્ષાને લઈ પોલીસ દ્વારા અત્યારથી કસરત કરવામાં આવી રહી છે અને અન્ય જિલ્લામાંથી બંદોબસ્ત માટે પોલીસ અધિકારી જવાનો બોલાવવામાં આવનાર છે. સમિટ વખતે શહેરમાં થ્રીલેયર સુરક્ષા ગોઠવાશે. તો રોડ બંદોબસ્તથી લઈ મહાત્મા મંદિરમાં પણ પોલીસ અધિકારી જવાનો ફરજ બજાવવાના છે ત્યારે આ પોલીસ જવાનોને કેવા પ્રકારે વર્તન કરવું અને ડેલીગેટ સાથે કેવી રીતે વાત કરવી તે સંદર્ભે આજે મહાત્મા મંદિર ખાતે ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. 
જેમાં ૧પ૦૦થી વધુ અધિકારી જવાનો ઉપસ્થિત રહયા હતા. દેશ વિદેશમાંથી આવનાર મહાનુભાવોને પોલીસને કડવો અનુભવ ના થાય અને તેમની સાથે શિસ્તબધ્ધ રીતે વાર્તાલાપ થાય તે હેતુથી આ સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યા હતા. નોંધવું રહેશે કે મહાત્મા મંદિરમાં પોલીસ બંદોબસ્ત માટે અનુભવી અધિકારી જવાનોને જ રાખવામાં આવતાં હોય છે. આ પોલીસ જવાનો માટે અલગ એક્ઝિક્યુટીવ ડ્રેસ પણ રાખવામાં આવતો હોય છે. આગામી તા.૧૬ જાન્યુઆરીથી શહેરમાં પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત ફાળવી દેવામાં આવશે.