રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (16:40 IST)

'ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ન બની શક્યા, દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે?'

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવી દીધું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. એવામાં ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ રહેશે તેમ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે. કોંગ્રેસે પણ સક્રિય થઈને આ મામલે પ્રતિક્રિયા આપવામાં આપી છે. ગુજરાતમાં ભાજપની મજબૂતીનો અર્જૂન મોઢવાડિયાએ સ્વીકાર કર્યો  છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઈ પટેલ સહિતના દિગ્ગજો ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો, છે અને રહેવાનો.' આમ તેમણે સ્પષ્ટ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારશે નહીં તેમ જણાવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અરવિંદ કેજરીવાલના આક્ષેપો પર કહ્યું, મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ દેશની જનતા માટે આશ્વાસનના બે શબ્દ ન બોલનાર દિલ્હીના મુખ્યમંત્રી કોંગ્રેસ પર આક્ષેપ કરવાની રાજનીતિ કરે છે. આક્ષેપ કરવા એ આમ આદમી પાર્ટીનો સ્વભાવ છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપને ફાયદો કરાવવા તે ગુજરાત આવ્યા છે. કેજરીવાલ ખેડૂત અને શિક્ષણ આરોગ્ય મુદ્દે ચુપ રહ્યા. કોંગ્રેસ સતત ભાજપ સામે લડતી આવી છે. કોંગ્રેસ જનતાની રાજનીતિ કરે છે.મનીષ દોશીએ વધુમાં કહ્યું, કોંગ્રેસની સરકારે લોકોપયોગી કાયદા અને હક આપ્યા છે. આગામી દિવસોમાં પણ ગુજરાતના લોકોના પ્રશ્નોને લઇ પ્રજા વચ્ચે જશે. ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહેતાં બી ટીમ બનીને આપ ગુજરાત આવ્યા. ભાજપ ધાક ધમકી અને રૂપિયાના જોરે ધારાસભ્યોને તોડે છે. શું કેજરીવાલ ધારાસભ્યોની ખરીદીવાની ભાજપની નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે? આ જવાબ કેજરીવાલે જનતાને આપવો જોઈએ.