સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (14:54 IST)

ભારે વરસાદના કારણે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને

ગુજરાત મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદના શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી અમદાવાદ આવી નથી. તેની માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાથી માલની હેરાફેરી બંધ કરી છે. આવક ઘટવાના કારણે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
 
ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે. પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે 30-40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 80થી 100 રૂપિયા સુધી થઇ છે.
ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ-વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ 40 ટકાનો ઘટાડો થયો છે,. જેથી ગુજરાતમાં શાકભાજીના ભાવમાં 30થી 40 ટકા જેટલો વધારો થયો છે. લગભગ બમણા ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે.