બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (14:36 IST)

વેક્સિન વિવાદઃ ડાયરાના સંચાલક અને ગીતા રબારી સામે અંતે ફોજદારી કેસ દાખલ

ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જે બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનારી ગીતા રબારી સામે ફોજદારી દાખલ થઇ હતી. પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી મુજબ, રેલડી ગામે આવેલા લક્કી ફાર્મ પર પેડીનો કાર્યક્રમ સંજયભાઇ પ્રતાપભાઇ ઠક્કર (રહે. ગાંધીધામ) અને લોકગાયિકા ગીતાબેન રબારી (રહે. અમદાવાદ)વાળાએ કોરોના મહામારી હોવા છતાંય લોકોના જીવ જોખમમાં મુકાય એવું બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો.

21મી જૂનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની વાત અગાઉથી ગીતા રબારીને કરી હતી, ગીતા રબારીએ સહમતી પણ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહી લોકડાયરો યોજ્યો હતો. કોરોના મહામારીમાં આવું કૃત્ય કરવા બદલ કલેકટરના જાહેરનામા તેમજ આઇપીસી 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઈ હતી.નોંધનીય છે કે ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો, જે બનાવમાં સરકારનો ઠપકો સાંભળ્યો હોવા છતાંય થોડા દિવસમાં જ આ ડાયરામાં હાજર રહી કોરોનાનો ભય ન હોય તેમ 250થી વધુ લોકોને એકત્ર કરી ડાયરાની રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ, આ ચર્ચાસ્પદ લોકડાયરામાં ભાજપના પદાધિકારી પણ હાજર હોવાનું મનાઇ રહ્યું છે અને જયંતી ભાનુશાલી મર્ડર કેસમાં જેલમાં રહેલા જયંતી ઠક્કર પેરોલ પર આવ્યા હોવાથી તેઓ પણ આ ડાયરામાં હાજર રહ્યા હોવાની ચર્ચા વહેતી થઇ છે.