બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 16 જાન્યુઆરી 2021 (10:13 IST)

આજે ભારત સહિત ગુજરાતમાં વેક્સીનેશન પ્રક્રિયાનો શુભારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે. સમગ્ર દેશને આવરી લેતું આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા કુલ 3006 રસીકરણ સત્ર સ્થળે આ અભિયાનના પ્રારંભ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. પ્રથમ દિવસે પ્રત્યેક સત્ર સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે.
 
આ રસીકરણ કાર્યક્રમ પ્રાથમિકતા સમૂહો, ICDS કામદારો સહિત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રાથમિકતાના સિદ્ધાંત પર અમલમાં મૂકાશે અને પ્રથમ તબક્કામાં આ તમામ લોકોને રસી આપવામાં આવશે.
 
રસીકરણ કાર્યક્રમમાં Co-WIN નામના ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ રસીના જથ્થા, સંગ્રહનું તાપમાન, કોવિડ-19 રસી માટેના વ્યક્તિગત લાભાર્થીઓના ટ્રેકિંગની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડશે. આ ડિજિટલ પ્લેટફોર્મ રસીકરણ સત્રો હાથ ધરવામાં તમામ સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોને સહાયરૂપ રહેશે.
 
કોવિડ-19 મહામારી, રસીકરણ અભિયાનના અમલ અને Co-WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 24X7 ધોરણે કાર્યરત સમર્પિત કૉલ સેન્ટર – 1075- પણ શરૂ કરવામાં આવ્યું છે.
 
કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ પહેલાંથી જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સક્રિય સહકારથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ જથ્થાને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને પ્રશાસન દ્વારા જે-તે જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લોક ભાગીદારીના સિદ્ધાંત સાથે અમલમાં મૂકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
 
સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં આજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮ હોસ્પિટલોમાં(૯ ખાનગી અને ૯ સરકારી)ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોનાની વેકસીન આપવાનો પ્રારંભ થશે. આ વેળાએ મંત્રીઓ,  ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
 
વેક્સીનેશન પ્રક્રિયાના પ્રારંભ વેળાએ સુરત જિલ્લામાં બારડોલી તાલુકા મથકેના સી.એચ.સી. હોસ્પિટલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસી તાલુકાના મોહિની પી.એચ.સી. હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઝંખના પટેલ, મહુવા સી.એચ.સી ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ઓલપાડના  સાંધિયેર પી.એચ.સી. ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહેશે.
 
જયારે સુરત શહેરમાં કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં સાંસદ સી.આર.પાટીલ, મોટા વરાછા હેલ્થ સેન્ટરમાં સાંસદ દર્શનાબેન જરદોશ, ,મગોબ હેલ્થ સેન્ટરમાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણા,  ભાઠેના સી.એચ.સી ખાતે ધારાસભ્ય સંગિતાબેન પાટીલ, નવી સિવિલ હોસ્પિટલમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ ઉપસ્થિત રહેશે.
 
શહેરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં પી.પી.સવાની હાર્ટ ઇનસ્ટીટ્યૂટ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ બલર, એસ.ડી.ડાયમન્ડ હોસ્પિટલમાં ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, આરોગ્યમ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, એપલ હોસ્પિટલમાં ધારાસભ્ય હર્ષ સંઘવી, યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં  ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, શેલબી હોસ્પિટલમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, બી એ. પી એસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મહાવીર હોસ્પિટલમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ, કિરણ હોસ્પિટલમાં ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયા ઉપસ્થિત રહેશે.