ડિસામાં લવ જેહાદ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન, રેલી વધુ ગંભીર રૂપ ધારણ ન કરે તે માટે પોલીસનો લાઠીચાર્જ
ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને આજે ડીસા સજ્જડ બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને લઘુમતી સમાજના વિસ્તારમાં જતો અટકાવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેર સભામાં રાજકીય આગેવાનો સહિત હિંદુ સંગઠનોએ લઘુમતી સમાજને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા આહવાન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને લઘુમતી સમાજના યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિએશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગથી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજાર થઈને એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી.જોકે હીરા બજાર આગળથી રેલીનો પ્રવાહ લઘુમતી સમાજના વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોઈ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી. રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેર સભામાં ડીસાના ધારાસભ્ય, માળી સમાજના અગ્રણીઓ તેમજ હિંદુ યુવા સંગઠનો સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં લઘુમતી સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ યુવતીઓને ફસાવવાનું કૃત્ય ન કરવા આહવાન કર્યુ હતું. તેમજ આવી પ્રવૃતીના વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.