માંગરોળમાં ભારે પવનથી બહેન કેનાલમાં ખાબકી, ભાઈ બચાવવા ગયો તો બંને જણા ડૂબ્યા
માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયુ છે અને લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના
ગઈકાલે ભૂજમાં પણ દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત નીપજ્યાં હતાં
જૂનાગઢઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો શરૂ થઈ ગયો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની અસર દેખાઈ છે. ત્યારે આજે જૂનાગઢના માંગરોળમાં ભારે પવન ફૂંકાતા બે બાળકો મોતને ભેટ્યાં છે. શેખપુર ગામમાં એક બાળકી કેનાલમાં ખાબકી તો તેનો મોટો ભાઈ બચાવવા માટે કેનાલમાં કૂદ્યો હતો. આ ઘટનામાં બંને બાળકોના મોત નિપજ્યાં છે. બંને ભાઈ અને બહેનનાં મોત નીપજતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના
પ્રાપ્ત વિગતો પ્રમાણે શેખપુર ગામના બંને મૃતક ભાઈ બહેન સ્કૂલમાં રમવા માટે ગયા હતાં. સ્કૂલ પાસે એક કેનાલ છે ત્યાં ઉભા હતાં. આ દરમિયાન ભારે પવન ફૂંકતા બાળકી કેનાલમાં ખાબકી હતી અને તેને બચાવવા માટે તેનો ભાઈ કેનાલમાં કૂદી પડ્યો હતો. જો કે તે બહેનને બચાવી શક્યો નહોતો અને બંનેના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર પર કરવામાં આવ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ભૂજમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત
સોમવારે સાંજે ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભાર દસ ફૂટ દૂર રહેલા ઘર તરફ જતા હતા ત્યારે પવન સાથે વંટોળિયો સર્જાતાં દીવાલ પાસે ઊભા રહી ગયા હતા તે જ વેળાએ દીવાલ ધરાશાઈ થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોશનબેન કુંભાર ઈંટની દીવાલ તળે દબાઈ ગયા હતા, જેમને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને બાળકોનાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યા હતા જ્યારે મહિલાને ઇજા પહોંચતા હાલ સારવાર હેઠળ દાખલ છે.