બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (15:57 IST)

ભરુચ નજીક બીસ્માર હાઇવેને પગલે 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

ચોમાસાની સિઝનમાં લગભગ રાજ્યના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. એમાં પણ અનેક રસ્તાઓ પર તો તંત્રએ થીંગડાં મારવાની પણ તસ્દી નથી લીધી. આ કારણે આજે ફરી એકવાર ભરૂચ નજીક ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી. એક બે કિલોમીટર નહીં પરંતુ અહીં 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીસ્માર હાઇવેને કારણે આ ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ દરમિયાન ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક લોકો અટવાયા હતા. અનેક લોકોએ આ અંગે મીડિયા સામે બળાપો પણ કાઢ્યો હતો.

ટ્રાફિકજામને કારણે રસ્તા પર ટ્રક સહિતના વાહનોની લાંબી લાઇનો લાગી હતી. અનેક લોકોએ બળાપો કાઢતા કહ્યુ હતું કે તેઓ કલાકોથી રસ્તા પર જ વાહન લઈને ઊભા છે. ઓર્ડરની ડિલિવરી હોવાથી તેમને માલિકો તરફથી સતત ફોન આવી રહ્યા છે. આ ઉપરાંત ટ્રક ડ્રાઇવરોએ ટ્રાફિકજામમાં ફસાયા હોવાથી ખાવા અને પીવા માટે પણ કંઈ ન હોવાની ફરિયાદો કરી હતી. મળતી માહિતી પ્રમાણે વરસાદને કારણે હાઇવે પર ઠેરઠેર ખાડા પડી ગયા હોવાથી અહીં છાસવારે ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થાય છે. સવારથી જ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી ઝંઘાર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. એવી પણ માહિતી મળી છે કે સરદાર બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાથી આ ટ્રાફિકજામ થયો હતો. અહીં કલાકો સુધી વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા હતા ભરૂચ જિલ્લાના જ અન્ય સમાચાર જોઈએ તો ભરૂચ નજીક નર્મદાની જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે. અહીં નદીનું સ્તર 15.75 ફૂટ સુધી પહોંચ્યું છે. અહીં નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે. હાલ પૂરતી અહીં પૂરની પરિસ્થિતિ ટળી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. આ સાથે જ પાર્ટી તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.