આજથી ધો.6-8 ની શાળાઓ શરૂ થાય તે પહેલાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
છેલ્લા કેટલાક સમયથી કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ થોડા દિવસોના આંકડા પર નજર કરીએ તો ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 4-5 દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ધીરે ધીરે શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાના છે. ત્યારે સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે ડીસાના રામસણમાં 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઈસ્કૂલના શિક્ષકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આજથી ધોરણ 6 થી 8 વર્ગો શરુ થાય તે પહેલા જ કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.
તો બીજી તરફ બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. તો શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં નવા કેસ બાદ કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 266,034 થઈ ગયા છે.