ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (09:52 IST)

રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે ચોમાસા જેવો માહોલ, અને પછી કાતિલ ઠંડી પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહેશે જો કે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થયું છે જેના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે પરંતુ આગામી ૩ દિવસ ખેડૂતો માટે ચિંતાજનક છે. કારણ કે કમોસમી વરસાદની આગાહી યથાવત છે.
 
આણંદ અરવલ્લી બનાસકાંઠા દાહોદ મહીસાગર મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત અમરેલી ભાવનગર બોટાદ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ૮ જાન્યુઆરીના ડાંગ નર્મદા નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી ત્રણ દિવસ રહેશે ત્રણ દિવસ બાદ એટલે કે ૯ જાન્યુઆરીથી વાતાવરણ સુકુ બની જશે એટલે કે ત્રણ દિવસ બાદ માવઠાના મારથી ખેડૂતોને રાહત મળશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે.
 
હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકું બનશે અને ઠંડા પવનો ફુંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે.
 
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાદળછાયુ વાતાવરણ જેના કારણે મહત્તમ તાપમાન નીચુ નોંધાયું છે જેના કારણે દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે જોકે બેવડી ઋતુનો માર કૃષિ પાક પર પડી રહ્યો છે સાથે જ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે.
 
રાજ્યનાં વિવિધ ભાગોની જેમ સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પણ પણ પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારો તથા જીલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, સાયલા, લખતર સહિતના તાલુકાઓમાં પણ સવારથી કમોસમી વરસાદ નોંધાયો હતો. વાતાવરણમાં પલટો આવતાં સમગ્ર જીલ્લામાં શીત લહેર છવાતા લોકોએ ઠંડક અનુભવી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોના રવી પાકને નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૯થી ૧૩ જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. અને લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ ૧૬થી ૧૮માં ફરી વાતાવરણ પલટો આવે છે.