પદ્મવાતના વિરોધમાં આજે ભારત બંધ, ગુજરાતમાં પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય - મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
અમદાવાદમા ગત રાત્રીએ ફિલ્મ પદ્માવતની રિલીઝ પરના વિવાદને પગલે અસામાજિક તત્વોએ મચાવેલી હિંસા અને તોફાન બાદ આજે રાજ્ય સરકાર અને રાજપુત સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને બળદેવસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ફિલ્મ પદ્માવત વિવાદ પર રાજપૂત આગેવાનો સાથે રાજ્ય સરકારે બેઠક યોજી હતી. સરકાર અને રાજપુત સમાજ સાથેની બેઠક બાદ રાજ્ય કક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. અહીં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે ગુજરાતમાં ક્યાંય પણ પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અહીં કહ્યું કે સરકાર સાથેની ચર્ચા બાદ તમામ રાજપુત સમાજના સંગઠનોએ આવતીકાલના બંધમાં નહી જોડાવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ પદ્માવત રિલીઝ કરવા પર તેમણે કહ્યું કે સરકાર લોક લાગણીને ધ્યાનમાં રાખશે. ગુજરાતના તમામ થિયેટર માલિકોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. પદ્માવતના રીલિઝ સામે આવતીકાલે કરણી સેનાએ આપેલા બંધના એલાનમાં ગુજરાતનો રાજપૂત સમાજ નહીં જોડાય. ગાંધીનગરમાં રાજપૂત સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજય સરકારે કહ્યુ હતુ કે આવતીકાલના બંધમાં ગુજરાત નહીં જોડાય. તેમણે કહ્યુ કે ગુજરાતમાં પદ્માવતને થિયેટર્સ જ રજૂ નથી કરી રહ્યા. આવામાં ગુજરાતમાં બંધનો સવાલ નથી.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઇએ કે નહી તે અંગે પૂછાતા તેમણે કહ્યુ કે તેઓ લોકલાગણીની સાથે છે. તેમણે વીતી રાતે અમદાવાદમાં થયેલી હિંસા પાછળ અસામાજિક તત્વોનો હાથ ગણાવ્યો હતો. આવતીકાલે શાળા. કોલેજો પણ ચાલુ રહેશે તેવો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાવો કર્યો હતો. કરણી સેનાના રાજ શેખાવતે પદ્માવત મુદ્દે ગુજરાત સરકારે આપેલા અત્યાર સુધીના સહકારને બિરદાવ્યો હતો. તેમણે કહ્યુ કે સરકારે ચૂંટણી પહેલા અને ત્યાર બાદ પણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે અમારી ભાવના સમજી તે બદલ તેમણે આભાર માન્યો હતો. આ સાથે તેમણે વીતી રાતે અમદાવાદમાં થયેલી હિંસામાં કરણી સેનાનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કરણી સેનાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. કરણી સેના હિંસાને કદી સમર્થન નથી આપતી.