શિક્ષણ જગતને કલંક લગાવનારી ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને અશ્લિલ વીડિયો બતાવ્યા
પાદરામાં શિક્ષણ જગતને કલંક લગાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પાદરાના અભોર ગામની સ્કૂલના આચાર્યએ નાની બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આચાર્ય મહેન્દ્ર જાદવને મારમારી પોલીસને સોંપ્યો છે. બાદમાં વાલીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીઓ જણાવી રહી છે કે, અમે અહીં ઉભેલી હતી તે સમય સાહેબ અહી આવ્યા હતા અને અમને બિભત્સ ફોટા બતાવ્યો હતો. જો કે, આ સમગ્ર મામલે વાલીઓ સ્કૂલમાં હલ્લા બોલ કરી લંપટ શિક્ષકને મારમારી પોલીસના હવાલે કર્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આજે 77માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યો હતો. સાથે ગામના અગ્રણીઓ પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલમાં કેટલાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાજર હતા. મોટાભાગના લોકો રવાના થઈ ગયા બાદ સ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઇ ચંદુભાઇ જાદવ (હાલ રહે. પાદરા) અને શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલે દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલ દરમિયાન આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ સ્કૂલમાં ફરી રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને લઈ સ્કૂલના શૌચાલયમાં લઈ ગયો હતો. તેઓને પોતાના મોબાઈલ ફોન ઉપર અશ્લિલ ફોટા અને વીડિયો બતાવતા વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી. ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન પહોંચી લંપટ શિક્ષકને સજા આપવા લોકો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.