SMA બિમારીથી પીડિત વિવાને લીધા અંતિમ શ્વાસ, દુનિયાને કહ્યું અલવિદા
છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર SMA બિમારીની સારવાર માટે વિવાનના માતા-પિતા ક્રાઉડ ફંડિંગ દ્વારા તેને ઇંજેક્શન માટે પૈસા જમા કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે ઇંજેક્શન માટે પૈસા એકઠા થાય તે પહેલાં જ વિવાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગિર સોમનાથના આલીદાર ગામનો વિવાન SMA ની ગંભીર બિમારીથી પીડિતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની બિમારી ધૈર્યરાજ નામના બાળકને હતી તેને પણ 16 કરોડના ઇંજેક્શનની જરૂર હતી. ફંડ દ્વારા પૈસા જમા થઇ જતાં ધૈર્યરાજને નવજીવન મળી ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર SMA બિમારીથી પીડિત વિવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે જ પ્રાણ ત્યાગ કર્યા હતા. વિવાને સારવાર માટે તેના માતા પિતાએ લોકો પાસે મદદ માંગી હતી. ક્રાઉડ ફંડિંગ દ્વારા વિવાની સારવાર માટે જરૂરી ઇંજેક્શન માટે પૈસા જમા કરવામાં આવી રહ્યા હતા. જોકે પુરા પૈસા જમા થાય તે પહેલાં જ વિવાને પોતાના પ્રાન ત્યાગી દીધા હતા. વિવાનના દેહને અમદાવાદની સોલા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો, જ્યાંથી પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર નિયમો અનુસાર તેની અંતિમવિધિ કરશે.
જોકે તેના મૃત્યું બાદ વિવાનના પિતા અશોકભાઇએ હવે વિવાન મિશન માટે આગળ આવેલા સ્વંયસેવકોને હવે વધુ ફંડ જમા ન કરવા માટે અનુરોધ કર્યો છે. અત્યાર સુધી વિવાન માટે 2 કરોડ 62 લાખની રકમ જમા થઇ હતી. જેના માટે અશોકભાઇ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જોકે હવે તેમણે કોઇને પણ દાન ન કરવા અનુરોધ કર્યો હતો, ત્યારે જમા રકમને કોઇ સેવાના કામમાં ઉપયોગમાં લેવામાં આશ્વાસન આપ્યું હતું.