સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ જશેઃ કેન્દ્રીય રેલવે મંત્રી
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત સૌને સમાવનારૂ શહેર છે. ભારતના કોઈ પણ સમાજના એક જ સ્થળે દર્શન કરવા હોય તો સુરત આવો. આ શહેર એવું વિલક્ષણ છે જેણે દેશભરમાંથી સ્થળાંતરિત થઈને આવેલા લાખો દેશવાસીઓને રોજગારી પૂરી પાડીને મિની ભારતનું સર્જન કર્યું છે.મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે, જે સુરત માટે ગૌરવાન્વિત ક્ષણ બની રહેશે એમ જણાવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે, સાથોસાથ વડાપ્રધાનની દોરવણી હેઠળ ગતિશક્તિ યોજના પણ લોજીસ્ટિક અને પરિવહન ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, એ સમયે સૌ સાથે મળીને દેશને ઉન્નતિના શિખરે લઈ જવા સંકલ્પ લઈએ. સુરત શહેરના ઉદ્યોગોનો રાજ્ય અને દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે, ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોની લાગણીઓ અને માંગણીઓને ન્યાય આપવામાં કેન્દ્ર સરકાર તત્પર રહેશે એમ જણાવી તેમણે અગ્રવાલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓની સરાહના પણ કરી હતી. આ વેળાએ સુરત મનપાના સહયોગથી વેક્સિનેશન કામગીરીમાં ઉમદા સેવા આપનાર અગ્રવાલ ટ્રસ્ટની છ રસીકરણ ટીમોનું મંત્રીઓએ સન્માન કર્યું હતું.