result
ગુજરાતમાં આજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ સંઘના 5 ટકા લોકો જ આજે પરીક્ષા આપશે. આ પરીક્ષાના વિરોધમાં સોશિયલ મીડિયામાં પણ શિક્ષકોએ કેમ્પિયન શરૂ કર્યું છે. શિક્ષકોએ આજના દિવસને કાળો દિવસ તરીકે ગણાવ્યો છે. આજે બપોરે 2થી 4 દરમિયાન 3241 બિલ્ડિંગમાં રાજ્યમાં કુલ 1 લાખ 83 હજાર 144 શિક્ષકોનું સર્વેક્ષણ યોજાશે. અમદાવાદમાં 87 સેન્ટરો પર આ સર્વેક્ષણ યોજવામાં આવશે. આ અંગે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે, અમે શિક્ષમમંત્રીને પરીક્ષા અંગે રજુઆત કરવા ગયાં હતાં પણ તેમણે કહ્યું હતું કે હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. આ રાજ્યના બે લાખ શિક્ષકોનું અપમાન છે. સરકાર હોલ ટીકીટ ડાઉનલોડ કર્યાના ખોટા આંકડાઓ રજૂ કરી રહી છે. 2 લાખ શિક્ષકો આ પરીક્ષાનો વિરોધ કરી રહ્યાં છે. પરીક્ષા મરજિયાત છે પણ સરકારે વાતાવરણ ફરજીયાત જેવું કર્યું છે. શિક્ષકોએ કોરોનામાં મડદા ગણ્યાં છે અને ખેતરોમાં તીડ પણ ઉડાડયા છે
. કોઈ પણ મુદ્દે શિક્ષકોને અત્યાર સુધી દબાવામાં આવ્યા છે. પરંતુ હવે શિક્ષકોને દબાવી શકાશે નહીં કારણકે હવે શિક્ષકો વિરોધ કરશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે.પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, "શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન યથાવત રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિક્ષણમાં ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શિક્ષણના હકમાં છે, ગુણવત્તા સુધારવાના હકમાં છે. બહિષ્કારની જાહેરાત વ્યાજબી નથી, પાયો મજબૂત કરવો જોઈએ, નો ડિટેન્શનના કારણે વિદ્યાર્થીઓનો પાયો કાચો રહ્યો છે આ નુકસાનની ભરપાઈ કરવા, ગુણવત્તાવાળું શિક્ષણ લઈને વિદ્યાર્થી આગળ વધે તેના ભાગરુપે આ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના 1.18 લાખ જેટલા શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે. શૈક્ષિક સંઘના બંધારણમાં પણ શિક્ષકોને સમય અનુરૂપ જ્ઞાન-શિક્ષણ પ્રક્રિયાને સુસંગત સજ્જ થવાનો ઉલ્લેખ છે જ. શૈક્ષિક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ છે. એટલે તેના બહિષ્કારની ઘોષણા વ્યાજબી નથી જ.