સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (10:10 IST)

તાતા સુમોને મોડિફાઇ કરી બનાવવામાં આવેલી લિમોઝિન જપ્ત, રૂ.40 હજારના ભાડે અપાતી હતી

અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓએ તાતા સુમોને મોડિફાઇ કરી બનાવવામાં આવેલી લિમોઝિન જપ્ત કરી છે. કાયદા મુજબ કારમાં આ રીતે સુધારા થઈ શકે નહીં. વધારામાં કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગોમાં કાર એક દિવસના રૂ.40 હજારના ભાડે અપાતી હતી. સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન સાણંદમાંથી મોડિફાઇ કરેલી લિમોઝિન કાર ડિટેઇન કરી છે, જેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન નથી. તેમ છતાં રોજના રૂા.40 હજારના ભાડે અપાઇ હતી. પંજાબ પાસિંગ પીબી 10 CY 3300 નંબરની કારની બજાર કિંમત અંદાજે 20 લાખ છે.

સુમો કારમાંથી મોડિફાઇ કરેલી આ કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે અપાઇ હતી. મોડિફાઇ કારને ભારતમાં મંજૂરી જ નથી. અમદાવાદમાં મોડિફાઇ કરેલી ફરતી કારોનું આરટીઓમાં કોઇ રજિસ્ટ્રેશન નથી. નિયમ મુજબ આવી કાર આરટીઓ માન્ય હોતી નથી. જેથી કોઇપણ લગ્ન પ્રસંગ કે ટ્રાવેલિંગમાં આવી કારનો ઉપયોગ ન કરવા આરટીઓ દ્વારા વારંવાર ટકોર કરાઇ છે. તેમ છતાં સામાન્ય પ્રજા તેનો ઉપયોગ કરે છે.સાણંદમાં કલાણા ગામે લગ્ન પ્રસંગમાં મોડિફાઇ કરેલી લિમોઝિન કારનો ઉપયોગ કરાયો હતો. સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટર એ.પી.પંચાલ અને જે.એચ.મિસ્ત્રી સાણંદ ખાતે ચેકિંગમાં હતા, ત્યારે પંજાબ પાસિંગ મોડિફાઇ કરેલી ઉપરોક્ત નંબરની લિમોઝિન કાર પસાર થતાં રોકી હતી.કારનું સુભાષબ્રિજ કે અન્ય કોઇ પણ આરટીઓમાં રજિસ્ટ્રેશન જ ન હતું. કારચાલક વાહનની પીયુસી, પોલિસી કે આરસીબુક સહિતના એક પણ પુરાવા નહીં આપી શક્તા કાર ડિટેઇન કરી હતી. તપાસમાં જણાયું હતું કે, કાર 2015થી ગુજરાતમાં ફરે છે. ટાટા સુમોમાંથી મોડિફાઇ કરી ઉપર ઔડીનો સિમ્બોલ મુકાયો છે. એરપોર્ટ કે અન્ય પ્રસંગે કાર ભાડે અપાતી હતી. કારનો મૂળ માલિક નડિયાદનો છે. જેની પાસે આવી બે કાર છે.