ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (15:13 IST)

અખા ત્રીજના યોજાનાર લગ્ન સભારંભો પર તંત્રની રહેશે બાજ નજર

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં બાળલગ્ન ન થાય તે માટે કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે અને અખાત્રીજ નિમિત્તે યોજાનાર લગ્નો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારના બાળ લગ્નોમાં સામેલ થનાર ગોર-મહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ડી.જે. બેન્ડબાજાવાળા, ફોટોગ્રાફર સહિતનાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 
 
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સમૂહલગ્નના આયોજકો તથા વર-કન્યાના માતા-પિતા સહિત અન્ય લોકો પણ બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તો તેમની સામે પણ ગુનો બનતો હોય છે. યાદીમાં જણાવ્યા અનુસાર બાળ લગ્નોની જાણકારીસમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલિસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. 
 
જેના પરિણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે. તેથી લગ્ન નક્કી થાય તે પહેલા જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ 21 વર્ષથી નાના યુવક તથા 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી પણ એક ગુનો બને છે. 
જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સમૂહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, ડી.જે., બેન્ડબાજાવાળા સહિતના મદદગારી કરનાર ઈસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. 
 
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જનતાને એક અપીલ જોગ જણાવ્યું છે કે જિલ્લામાં જો કોઈપણ જગ્યાએ બાળલગ્નો જણાઈ આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંય તળિયે જિલ્લા સેવા સદન-02, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા, જિ-પંચમહાલ (ફોન નં-02672-241487), જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં-59 અને 60, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-02, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા, જિ-પંચમહાલ (ફોન નં- 02672-243480), ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098, 181 મહિલા હેલ્પલાઈન અભયમ, પોલિસ કન્ટ્રોલ નંબર 100ને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવે છે.