બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (16:37 IST)

અમદાવાદની નવી 750 કરોડની SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડ્યું

અમદાવાદમાં 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી વીએસ એટલે કે SVP હોસ્પિટલની ત્રીજી બેદરકારી સામે આવી છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ એસવીપીના 4 ઓપરેશન થિયેટરમા પાણી ટપકવા લાગતા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને પગલે ઓટી બંધ કરવાની ફરજ પડી અને ઓપરેશનો અટવાયા હતા. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓટીમાં રિપેરિંગ કામ કરવા માટે દિવાલ તોડવાની ફરજ પડી હતી.
કુલ 32 ઓપરેશન થિયેટરમાંથી 16 જ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. તેમાં પણ 16માંથી 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડવા લાગતા હાલ 12 જ ઓપરેશન થિયેટર ચાલી રહ્યા છે. હોસ્પિટલના 15માં માળે ફ્લોર પર પાણી ભરતાં દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરતા જણાવાયું હતું કે, માત્ર બારીઓમાંથી પાણી આવ્યું હતું. બીજી તરફ ધાબામાંથી કન્સ્ટ્રક્શન કામની ખામીને કારણે વરસાદી પાણી 15માં માળે ફરી વળતા વહેતા થયેલા વીડિયો બાદ તંત્રએ તબીબોને પણ ધમકાવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.
2 ઓગસ્ટના રોજ એસવીપી હોસ્પિટલની બીજા માળે પીઓપીની છત નીચે પડવાની ઘટના બની હતી. તે સમયે પણ કન્સ્ટ્રક્શનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે એસવીપી હોસ્પિટલના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પવન હોવાથી બારીઓ ખુલ્લી રહેતા વરસાદી પાણી અંદર આવ્યું હતું. જોકે હવે આવી ઘટના ન બને તે માટે અમે તકેદારી રાખીશું.