શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (16:26 IST)

સુરતી મુસ્લિમ મહિલાને સંસ્કૃતમાં બે ગોલ્ડ મેડલ મળ્યા

મન હોય તો માંડવે જવાય એ પંક્તિને ચરિતાર્થ કરી છે સંસ્કૃત વિષય સાથે એમએ કરનાર મુસ્લિમ પરિણીતા કૌશર બાનુએ. પોતાના દોઢ વર્ષના દિકરાને પિતાને ઘરે મોકલીને સંસ્કૃત ભાષા સાથે એમએની પરીક્ષા પાસ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

કૌશરબાનુને મુખ્ય વિષ્ય સંસ્કૃતમાં 80.50 ટકા મેળવતા ડૉ.એ.ડી.શાસ્ત્રી મેડલ અને શ્રીમદ ભાગવત રંગઅવધૂત નારેશ્વર મેડલથી સન્માનિત કરાયા. તેમણે ભાગવદ પુરાણ અને વેદાંત પેપરમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે.બે ગોલ્ડ મેળવનાર 24 વર્ષના કૌશર બાનુનું કહેવું છે કે એમએના હું ચોથા સેમેસ્ટરમાં હતી ત્યારે મારો દિકરો દોઢ વર્ષનો હતો. દિકરાથી દૂર ભણવામાં મન નહોતું લાગતું પણ બીજો કોઇ ઓપ્શન નહોતો. રાત દિવસ મહેનત કરીને એમએની પરીક્ષામાં બે ગોલ્ડ મેળવ્યા.

ભરૂચની શ્રીરંગ નવચેતના મહિલા આર્ટસ કોલેજ (SRNMAC)માંથી અભ્યાસ કરનાર કૌશર બાનુનું કહેવું છે કે મેં લગ્ન પછી એમએ કરવાનું શરૂ કર્યું હતું. બીજા વિષયો કરતાં મને પહેલેથી જ સંસ્કૃત વિષયમાં વધારે રસ પડતો હતો. હું કયારેક રામાયણ તો કયારેક મહાભારત પણ સંસ્કૃતમાં વાંચતી હતી, બંનેએ મને એમએ કરવા માટે પ્રેરણા આપી હતી. એમએ ચાલુ કર્યું અને ભણવાનું ચાલુ કર્યું ત્યારે હું પ્રેગનન્ટ થઇ અને દિકરો આવ્યો. દિકરો આવ્યો એટલે મને એમ હતું કે, હવે તો મારું ભણવાનું બંધ થઈ જશે. જોકે મારી એ શંકાઓ ખોટી સાબિત થઈ હતી. પરિવારજનો અને ખાસ કરીને મારા પતિએ મને સપોર્ટ કર્યો. પરીક્ષા જેમ જેમ નજીક આવતી ગઈ તેમ-તેમ મારું વાંચન વધતું ગયું. સુવાનું ઓછું અને વાંચવાનું વધારી દીધું. ક્યારેક તો વાંચવાની ચિંતા વધારે થતી તો ઉંઘમાંથી જાગીને વાંચવાનું ચાલુ કરી દેતી હતી, જેના કારણે મને વેદાંત ફિલોસોફી અને ભાગવત પુરાણમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. એમએમાં મને 84 ટકા આવ્યા છે અને યુનિવર્સિટીની તમામ કોલેજોમાં ટોપર પર રહી છું.

SRNMACના પ્રિન્સિપાલ અશ્વિન પંડ્યાએ કહ્યું કે કૌશલબાનું ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેણીએ અમારી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ અમે તેને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરતા હતા. કૌશરબાનુએ સંસ્કૃત સાથે એમએ 2016માં પૂરું કર્યું હતું. તેઓ હવે શૈક્ષણિક ફિલ્ડમાં કેરિયર બનાવા માંગે છે. કૌશરબાનુના પતિ રિયાઝ સિંધા સુગર કંપનીમાં નોકરી કરે છે.