રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (16:47 IST)

કોરોનાથી નબળા પડી ગયેલા ફેફસાંને ઝુંબા ડાન્સથી બનાવો મજબૂત, મળી રહ્યો છે સારો પ્રતિભાવ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના લીધે કોરોના સંક્રમિત વ્યક્તિના ફેફસાં ખૂબ નબળાં પડી જતાં હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમીતોમાં ઓકસીજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે કોરોના મુક્ત થયેલા લોકોના ફેફસાં મજબૂત કરવા પ્રોન થેરાપી તથા યોગની સાથે સાથે વિવિધ પ્રકારની કસરતો કરતા હોય છે. ત્યારે હવે કોરોના મુક્ત લોકોમાં ઝુંબા ડાન્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે અને ફાયદો મળી રહ્યો છે. ઝુંબા ડાન્સથી ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે શરીરની ચરબી ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
ત્યારે સુરતના ધોડદોડ પર ઝુંબા ક્લાસીસ ચલાવતા સમતાભાઇના પિતાને કોરોના થયો છે. ત્યારબાદ તેઓ કોરોના મુક્ત થયા પરંતુ તેમનાં ફેફસાં નબળા પડી ગયા હોય એવું લાગી રહ્યું હતું. તેમને કસરત મળી રહે અને મનોરંજન પણ મળે તેવા વિચારથી ઝુંબા ડાન્સના નવા સ્ટેપ્સ અમે શરૂ કર્યાં છે. લોકોને પણ આ વિચાર પસંદ આવતાં હવે અમે મોટી સંખ્યામાં એક સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ડાન્સ કરીએ છીએ.
 
ઝુંબા ડાન્સમાં નિયમિત રીતે ભાગ લેનાર રાહુલે જણાવ્યું હતું કે, ઝુંબા ડાન્સથી શરીરની ચરબી પણ ઓછી થાય છે. વળી મ્યૂઝિક સાથે મનોરંજન મળી રહે છે. હાલ કોરોના સમયમાં શરીરને સ્વસ્થ રાખવું જરૂરી હોવાથી અમે નિયમિત રીતે ડાન્સ કરીએ છીએ. અમે હવે ગ્રુપમાં ડાન્સ કરવા આવીએ છીએ.
 
આ અંગે સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોના સામે શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક કસરત ખૂબ જરૂરી છે. કોરોના થયો હોય કે ન થયો હોય પરંતુ શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. યોગ, કસરત, ઝુંબા જે આપણા શરીરને અનૂકુળ આવે તે પ્રકારે વર્કઆઉટ કરવું જોઈએ.