અમદાવાદમાં આજથી ઢોર પોલીસીનો ચૂસ્ત અમલ, લાયસન્સ વિનાના ઢોરને શહેર બહાર ખસેડવા પડશે
આજથી અમદાવાદમાં ઢોર પોલીસીનો ચૂસ્ત અમલ કરવામાં આવશે. શહેરમાં લાયસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે અને ઢોરને શહેરની બહાર ખસેડવામાં આવશે.પશુ માલિકોને ઢોર રાખવા માટે લાયસન્સ, પરમિટ અને રજિસ્ટ્રેશન કરાવવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.આ સમયગાળો ગઈકાલે છેલ્લો દિવસ હોવાથી પૂર્ણ થયો છે અને આજથી શહેરમાં ઢોર પોલીસીનો ચૂસ્ત અમલ કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ શહેરમાં હજારો પશુ માલિકોએ હજી સુધી લાયસન્સ મેળવ્યું નથી. પશુ માલિકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી મુજબ ઢોર રાખવાની જગ્યા સહિત વિવિધ પ્રશ્નોને લઈ લાયસન્સ આપવામાં આવ્યા નથી.
7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
AMCના અધિકારીઓએ મીડિયાને જણાવ્યા પ્રમાણે આજથી ઢોર પોલીસીનો અમલ શરૂ કરી દેવાયો છે. શહેરમાં કોઈપણ પશુ લાઇસન્સ વિના જણાશે તો પશુ માલિક સામે કાર્યવાહી કરાશે અને ઢોરને જપ્ત કરી લેવામાં આવશે. પશુ માલિકોએ જો લાઇસન્સ નથી લીધું તો તેમના ઢોરને શહેર બહાર ખસેડવા માટે બે દિવસનો સમય આપવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાઇસન્સ-પરમિટ મેળવવા માટે કુલ 1070 જેટલી અરજી મળી હતી. તેમાંથી માત્ર 123 જેટલા લાઇસન્સ-પરમિટ આપવામાં આવી છે. 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પશુ રજીસ્ટ્રેશન માટે 1148 જેટલી અરજીઓ મળી છે. જ્યારે 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
22 જેટલી ટીમો બનાવી 8121 જેટલા પશુઓ પકડવામાં આવ્યા
90 દિવસના સમયગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22 જેટલી ટીમો બનાવી 8121 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે જેમાં 209 જેટલા પશુ માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 33 જેટલી ફરિયાદો ઘર્ષણ અને પશુ પકડવાની કામગીરી દરમિયાન સ્ટાફ ઉપર હુમલાની નોંધાઈ છે. પશુ માલિકોને પ્રખરતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત 922 જેટલી નોટિસો પણ આપવામાં આવી છે. નવેમ્બર માસ દરમિયાન 2340 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતની ઘટનાઓ બની છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આજથી ઢોર પોલિસીના કારણે પશુ માલિકો પોતાના ઢોર રોડ ઉપર છૂટા મૂકી શકશે નહીં.