જામનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં નાશ્તાની બે લારીઓનો કચ્ચરઘાણ વળી ગયો
slab of a dilapidated building collapsed in Jamnagar
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં સટ્ટા બજાર નજીક આવેલી ખાઉધરા ગલીમાં એક જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેથી નીચે રહેલી નાસ્તાની બે લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનામાં નાસ્તાની લારી ચલાવતા બે લોકોને ઈજા પહોંચી છે. જેને પગલે તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં ગ્રીન માર્કેટ વિસ્તારમાં સટ્ટા બજાર નજીક એસપી માર્કેટ આવેલી છે.
જે જર્જરિત માર્કેટ છે. ત્યાં આજે સવારના 11-15 વાગ્યાની આસપાસ અચાનક બિલ્ડિંગની બાલ્કની કે જે જર્જરિત હતી તે ધરાશાયી થઈ હતી. જેથી નીચે રહેલી બે નાસ્તાની લારીઓ પર કાટમાળ પડ્યો હતો. જેને પગલે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. જર્જરિત બિલ્ડિંગની ગલીને બંધ કરી દેવામાં આવી છે.
હાલ ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે.તંત્ર દ્વારા અગાવ આ બિલ્ડિંગને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. જર્જરિત બિલ્ડિંગની નીચે નાસ્તાની રેકડીધારકો ઊભા રહે છે, તેનો ખોલવાનો સમય હોવાથી કોઈપણ વ્યક્તિ હજુ સુધી ત્યાં નાસ્તો કરવા આવ્યા ન હતા. જેથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ વિસ્તારમાં બપોર બાદ લોકોની ખૂબ ભીડ રહે છે જેથી જો બપોર બાદ આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે, આ બિલ્ડિંગને વારંવાર નોટિસ આપી છે, છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી. આ જર્જરિત બિલ્ડિંગ છે. આને ખાહુધરા ગલી કહેવાય છે. રાત્રે આ વિસ્તારમાં ખૂબ ભીડ હોય છે. લોકો નાસ્તો કરવા માટે મોટી સંખ્યામાં અહિં આવે છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ પહેલાંથી જ હતી. આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે એમ છે. આજે આ બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો હતો. જેમાં નાસ્તાની લારી ચલાવતા બે લોકોને ઈજા પહોંચી છે. આ તો સારું છે કે ઘટના વહેલી બની. જો બપોરે અથવા તે બાદ બની હોત તો અહિં ભીડ ત્યારે વધુ હોય છે એટલે જાનહાનિ વધુ થાત. બે લોકોને ઈજા પહોંચી છે તેઓને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.