શંકરસિંહ બાપુ ફરી મેદાનમાંઃ શક્તિ સેવા દળ બનાવશે
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ એનસીપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે સાબરકાંઠાના હિંમતનગરની એક દિવસની મુલાકાતે હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે, આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ સામે એનસીપી દ્વારા આયોજિત શક્તિ સેવા દર એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ચર્ચા ચાલતી હોવાનું જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં જે લોકોનો અવાજ દબાયેલો છે, કચડાયેલો છે, તેમજ જેમને ન્યાય નથી મળી શકે તેવી તમામ બાબતોને એક પ્લેટફોર્મ આપવામાં આવશે. તેમજ આગામી 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દસ હજારથી વધારે યુવક-યુવતીઓનું સંમેલન યોજાશે. જે થકી ગુજરાતમાં પોતાની તાકાત પ્રદર્શિત કરાશે. ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે તેના સંદર્ભમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે વાત થઈ ગઈ છે અને સારા ઉમેદવાર મુકવાની ચર્ચા પણ કરી છે કે તમે મુકવાના હોય તો તમે મુકજો અને જો તમારો ઉમેદવાર સારો નહી હોય તો હું મુકીશ. સારું પરિણામ આવે બીજેપી સરકારના વિરોધમાં એવું મારું માનવું છે. તેમના જ પુત્રનું મહેન્દ્રસિંહનું નામ પણ બાયડ બેઠક માટે સંભળાઈ રહ્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મારે કોઈ સાથે વાત થઈ નથી અને જે કંઈ નક્કી કરે તેમાં મને કોઈ વાંધો નથી. જો કે, આજે જે પ્રકારે સ્થાનિક કાર્યકરો તેમજ ટેકેદારો સહિત લોકોની ભીડ જામી હતી. તે જોતા બાપુ આગામી સમયમાં હજુ પણ કંઈક નવું કરે તો નવાઈ નહીં.