સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 જાન્યુઆરી 2023 (12:06 IST)

શામળભાઈ પટેલ બન્યા અમૂલના મળ્યા નવા ચેરમેન, વાઇસ ચેરમેન પદે વલમજીભાઈ હુંબલની વરણી

ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન પદે શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ અશોકભાઇ બી. ચૌધરી, ચેરમેન, મહેસાણા જિ.સ.દૂ.ઉ.સં.લિ., મહેસાણા ધ્વારા કરવામાં આવ્યો હતો અને રામસિંહ પી. પરમાર, ચેરમેન, ખેડા જિ.સ.દૂ.ઉ.સં.લિ., આણંદ ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
 
ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ માનસિંહભાઇ કે. પટેલ, ચેરમેન, સુરત જિ.સ.દૂ.ઉ.સં.લિ., સુરત ધ્વારા કરવામાં આવ્યો હતો અને વિહાભાઇ એસ. સભાડ, ચેરમેન, સુરેન્દ્રનગર જિ.સ.દૂ.ઉ.સં.લિ. સુરેન્દ્રનગર ધ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
 
અમૂલ ફેડરેશનના ચેરમેનની ચુંટણી નાયબ કલેકટર, આણંદની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેનઓ હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવી છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.
 
અમૂલ ફેડરેશન ભારતની રૂા.૪૬,૪૮૧ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા "અમૂલ"  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો ધ્વારા રાજયના ૧૮,૧૫૪ થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૬૪ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.
 
શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સાબરડેરીના ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૩ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂા. ૬૮૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજયના મોટા દૂધ ઉત્પાદક સંઘમાંનો એક એકમ છે. 
 
વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સરહદ ડેરીના ચેરમેન તરીકે ૧૪ વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂા.૮૭૦ કરોડથી વધુ ટર્નઓવર કરેલ તથા લગભગ ૧ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલ છે.
 
આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેનએ જણાવ્યું હતું કે તેમના માટે ઘણા સૌભાગ્ય અને ગૌરવની ક્ષણ છે કે તેમને ડો. કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કરેલ હતું ત્યાં ચેરમેન બનવાનો મોકો મળેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા ૭૫ થી વધુ વર્ષથી સફળ છે કારણ કે આ સંસ્થામાં સિધ્ધાંત અને નૈતિકતાના ગુણો ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ હતા. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઉંચી સિધ્ધીઓ હાંસલ કરશે.
 
વાઇસ ચેરમેન, અમૂલ ફેડરેશને વધુમાં જણાવ્યુ કે અમૂલ મોડલને સમગ્ર ભારતમાં પ્રસરાવવાથી ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનેલ છે. અમૂલ ફેડરેશન દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ઘનિષ્ઠતાથી કામ કરતું રહેશે કે જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજયના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરો પાડશે.