સરકાર બાળકોના ભવિષ્યનો વિચાર કરીને શાળા શરૂ કરવા માટે મંજૂરી આપે, નહી તો આંદોલન
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ સાથે જ શિક્ષણ વિભાગને પણ મોટુ નુકસાન થયું છે. હવે કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હટાવ્યા છે. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓફલાઈન લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ધોરણ 12ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરી દેવામાં આવ્યાં છે. કોલેજમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. આવી રીતે બધે જ અનલોક થઈ રહ્યુ છે તો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ સરકાર સમક્ષ તમામ શાળાઓ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે કે, હવે તમામ વ્યવસાય અને સરકારી વિભાગને શરૂ કરવા માટે મંજૂરી આપાઈ છે. કોરોનાના કેસ પણ હવે ઘટી રહ્યા છે ત્યારે હવે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને કોઈ વિલંબ કર્યા વિના તમામ શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવી જોઈએ. ધોરણ 9 થી 11 નો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યનો છે.જેથી તેની અવગણનાના કરી શકાય.હવે રાજ્યમાં તમામ જિલ્લાના શાળા સંચાલક અને શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને રજુઆત કરશે.જો સરકાર આ બાબતે સરકાર રજૂઆત નહીં સાંભળે તો શાળા સંચાલક મંડળે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. ઘાતક નીવડેલી બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોમાં ભારે ઘટાડો નોંધાયો છે અને 15 જુલાઈથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.