જાણો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે
ગુજરાતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો જીતી શકાય તેમ છે તેનો એક રીપોર્ટ ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલી આપવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 9 બેઠકો જીતશે. લોકસભાની 2019માં યોજાનારી ચૂંટણી અંગે ગુજરાત કૉંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. નવી રણનીતિ ઘડવાની સાથોસાથ સંગઠનમાં ફેરફાર અને મીટિંગોનો દોર ચાલી રહ્યો છે. ઉપરાંત વિધાનસભાની બેઠકોને ધ્યાનમાં રાખીને એનાલીસીસ કરવામાં આવ્યું છે જે પ્રમાણે કૉંગ્રેસને લોકસભામાં ગુજરાતની 9 બેઠકો મળશે. આ રીપોર્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યો છે. રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ભરૂચની બેઠકો પણ વિજય મેળવશે. વિધાનસભામાં કૉંગ્રેસનાં ફાળે આવેલી બેઠકો અને રાજ્યમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન સહિત વિવિધ સમાજનાં જે આંદોલન ચાલી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને આ સર્વે અંતર્ગત કોંગ્રેસને લોકસભાની 9 બેઠકો મળતી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યો છે. આ સાથે કૉંગ્રેસ 9થી વધારે લોકસભાની બેઠકો જીતવા માટે પણ કોંગ્રેસ દ્વારા રણનીતિ અખત્યાર કરવામાં આવી રહી છે જેની અંદર લોકસભાની 2014ની ચૂંટણીમાં ગુજરાતમાં જે બેઠકો ઉપર ભાજપને ઓછી લીડ મળી હોય તેવી બેઠકને ટાર્ગેટ કરવામાં આવશે અને આ બેઠકો ઉપર વધારે ધ્યાન આપીને તે બેઠકો ભાજપ પાસેથી આંચકી લેવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.