સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (14:40 IST)

રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, જાણો ક્યારે ખુલશે સ્કૂલો

કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. કોરોનાના કહેર વચ્ચે અટકળો વહેતી થઈ હતી કે ઓક્ટોબરથી શાળાઓ શરુ થશે. પરંતુ જે રીતે રોજે રોજ કેસ વધી રહ્યા છે તેને ઘ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે તેવું નથી. આ પહેલા રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ તે સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જે જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે. હવે, જો દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય થશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તે સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે તેના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. શાળાઓ શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે તે નક્કી કરાશે.