પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, વાલીનું સંમિતપત્ર ફરજીયાત
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, હાજરી સ્વૈચ્છિક પરંતુ વાલીનું સંમિતપત્ર ફરજીયાત રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે
આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવશ્રીએ જણાવ્યું હતું.
રાજ્ય ના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.
જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ વિનોદ રાવે ઉમેર્યું હતું
કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવે જણાવ્યું હતું.ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી.
કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગખંડો તારીખ 1લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
ધોરણ 9થી 12ના વર્ગોમાં શરૂઆતના તબક્કે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા તે સંખ્યા હવે વધીને 70થી 72ટકા જેટલી થઈ ગઈ છે.
રાજ્ય સરકારના પરિણામકારી આ પ્રયાસોમાં વાલીઓ પણ પોતાના બાળકોના શિક્ષણ હિતમાં ઉત્સાહથી સહયોગ આપી રહ્યા છે અને વર્ગખંડ શિક્ષણ માટે પોતાના બાળકોને વધુને વધુ પ્રેરિત કરે છે.