શ્રાવણ મહિનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય - સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનામાં આ વર્ષે પણ લોકમેળાઓનુ આયોજન નહી થાય
રાજ્યમાં આગામી તારીખ 9 ઓગસ્ટથી શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર sop જાહેર કરશે. શ્રાવણ માસમાં મોટા તીર્થધામોમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે. શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ લગાવવાની વિચારણા છે.
50 વર્ષમાં પ્રથમ વખત ગયા શ્રાવણ મહિનાથી મેળા યોજાય રહ્યા નથી. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બીજી લહેરમાંથી બહાર આવી રહ્યા છે અને ત્રીજી લહેર દરવાજા બહાર ઉભી છે એવા કપરા સમયમાં લોકોનુ ભેગા થવુ એ યોગ્ય નથી.
ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરને કારણે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી હતી અને આ વર્ષે બીજી લહેરના બિહામણા સ્વરૂપના અનુભવ પછી ત્રીજી લહેર વધુ નુકશાન ન કરે એ ઉદ્દેશ્યથી અનેક સાવધાનીઓ સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્સ મળી 300 થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના 15 થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના 15 થી વધુ સ્ટોલ, રમકડાના 200 થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી 50 જેટલી યાંત્રિક રાઈડ્સ અને 40 થી વધુ ચકરડી સહિત 300 થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. આ વર્ષે જો મેળાનું આયોજન નહિ થાય તો આ તમામની સાથે રસ્તા પર બેસી પાથરણા પાથરી રમકડાં વેચાણ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ 20 દિવસ સુધી ચાલુ હોય છે.